ચોર પોતે થોડો કહે છે કે મેં ચોરી કરી છે?! જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા લાખો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારની તપાસમાં ચામડી બચાવવા શાસકોએ કમિશનર ઉપર ગાળિયો નાંખ્યો, કમિશનરે ‘સીટ’ને ખો આપી દીધી
કોઇપણ કૌભાંડ થાય એટલે ‘સીટ’ની રચના, તપાસ કમિટીનો અહેવાલ આવે ત્યા સુધીમાં બધુ ટાઢુ પડી જાય અને બાદમાં ‘વહીવટ’ને ભારે સિફતપૂર્વક અંજામ આપી દેવામા આવે. આ મોડેસ ઓપરેન્ડી દેશવ્યાપી ચાલી રહી છે જેમા રાજકોટ મનપા પણ કંઇ ઉણી ઉતરે તેમ નથી. હાલ માત્ર રાજકોટ જ નહીં પણ રાજ્ય આખામાં વિવાદના ચકડોળે ચડેલા જંગલેશ્વર ડિમોલિશન વખતે થયેલા કરોડો રૂૂપિયાના કથિત ભ્રષ્ટાચારમાં મેયર ડો.નેહલ શુક્લે ‘સીટ’ની રચના કરવા કમિશનરને આદેશ કર્યો છે. જો કે આ તપાસ બિલાડીને દૂધના રખોપા આપવા સમાન છે. ડિમોલિશનમાં કાજુ કતરી, ખજુર રોલ, વિડિયો ગ્રાફી, ખાણીપીણી, મંડના સમિયાણા સહિત જે કંઇપણ લાખેણા ખર્ચાઓ થયા છે તેની મંજૂરી વહીવટી વિભાગ એટલે કે મ્યુનિ.કમિશનરના વડપણ હેઠળ જ થયા છે. અને હવે તપાસ કમિટી મનપાના જ અધિકારીઓની જ બનવાની છે.
ચોર પોતે થોડો એમ કહવાનો છે કે મે ચોરી કરી છે! આવુ જ કંઇ જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા લાખો રૂૂપિયાની કટકીની તપાસમાં થવા જઇ રહ્યુ છે. જંગલેશ્વર ડિમોલિશન વખતે થયેલા ખર્ચાઓમાં એકપછી એક કટકીના આંકડાઓ સામે આવી રહ્યા છે. પાણીની જે બોટલ હોલસેલમાં અઢીથી ત્રણ રૂૂપિયામાં મળતી હોય તેના આઠ રૂૂપિયા, ચાનો બમણો ભાવ, કાજુ કતરી અને ખજુર રોલ સહિત જમવાની રજવાડી ડીશ, આવી બધી જિયાફત જ્યારે હજારો લોકો ચોધાર આસુએ રડતા હોય ત્યારે ઉડતી હતી.
લાખો રૂૂપિયાની કટકીનો વિવાદ વકરતા સ્ટેન્ડીંગ કમિટીએ તો હાલ પુરતી ખર્ચ મંજૂરીની દરખાસ્ત પેન્ડીંગ રાખી છે. જો કે પેન્ડીંગ રખાયેલો ખર્ચ માત્ર ખાણીપીણીનો રૂૂ.27 લાખનો જ છે. પણ એ પછી વધારાના ભ્રષ્ટાચારના એકપછી એક આંકડાઓ સામે આવતા મનપાની નવી બોડીના શાસકો માટે હાડકુ બરોબરનું ગળામાં ફંસાઇ ગયુ છે. દરમિયાન મેયર ડો.નેહલ શુક્લને શહેર ભાજપ પ્રમુખ માધવ અને સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળિયાની હાજરીમાં પત્રકાર પરિષદ બોલાવવાની ફરજ પડી હતી. ડિમોલિશનના કટકીકાંડમાં હાલ પુરતો વિવાદનો ભડકો ટાઢો પાડવાની રણનીતિના ભાગરૂૂપે જ જાણે મેયરે પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતુ કે, જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા ખર્ચના વિવાદને ઉકેલવા માટે ખાસ તપાસ કમિટી રચવામા આવશે. કમિટીમાં ક્યા સભ્ય લેવા તેનો નિર્ણય મ્યુનિ.કમિશનર ઉપર છોડવામા આવ્યો છે.
પત્રકારોના એકપછી એક સવાલોના મારા વચ્ચે ઘેરાયેલા મેયર ડો.નેહલ શુક્લે તપાસ કમિટીની રચના તો કરી છે પણ એકરીતે જોઇએ તો ગાળિયો મ્યુનિ.કમિશનરના ગળે નાંખવામા આવ્યો છે. બીજીબાજુ એક હકિકત એ પણ છે કે, જે કંઇ પણ લાખેણા બીલ બન્યા છે તે વહીવટી એટલે કે કમિશનરના વડપણ હેઠળની જ સંબંધિત શાખા હસ્તક બન્યા છે. અમુક બીલ તો ચુકવાઇ પણ ગયા છે જેમા મ્યુનિ.કમિશનર પોતે સીધા જવાબદાર બને છે. વહીવટી શાખાથી જ શરૂૂ થયેલા ભ્રષ્ટાચારના આ ભોરીંગને ઉખેડવા માટે કહેવાતી ‘સીટ’(તપાસ કમિટી)માં વહીવટી શાખાના જ અધિકારીઓને લેવાના છે. એટલે એવુ ચોક્કસપણ કહી શકાય કે બિલાડીને દૂધના રખોપા સોંપવામા આવ્યા છે. શું ચોર પોતે થોડો કહે કે હા, મે ચોરી કરી છે?!
રાજ્ય સરકારે પણ RMC પાસે માગ્યો ખર્ચનો હિસાબ
રાજકોટ મનપાની નવી ટર્મના શાસકોના કાર્યકાળના પ્રારંભે જ પાર્ટીને આબરૂૂનો મોટો બટ્ટો લાગ્યો છે. જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા લાખોના કથિત ભ્રષ્ટાચારનો મામલો માત્ર રાજકોટમાં જ ટોક ઓફ ધી ટાઉન બનવા પુરતો સિમિત નથી રહ્યો. સમગ્ર રાજ્યમાં ડિમોલિશનના કટકીકાંડનો મામલો ગાજી રહ્યો છે. મ્યુનિ.કમિશનર વિભાગના જ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે કે, જંગલેશ્વર ડિમોલિશનના પ્રકરણની અત થી ઇતિ સુધીનો અહેવાલ રાજ્ય સ સરકારે મગાવ્યો છે. જો કે આ બાબતે મેયર ડો.નેહલ શુક્લને પુછવામા આવતા તેમણે એવો જવાબ આપ્યો હતો કે, મારા ધ્યાનમાં આ બાબત નથી આવી. વહીવટી વિભાગને સરકારમાંથી સીધો હુકમ થયો હશે. સરકારે તો અહેવાલ માગ્યો છે પણ સરકારને ઉઠા ભણાવવામા માહિર રાજકોટ મનપાના તંત્રવાહકો અને શાસકોની આપસી સમજૂતી બાદ કેવા પ્રકારનો અહેવાલ સરકારમાં મોકલવામા આવે છે એ અહેવાલ શું મીડિયા સમક્ષ રજૂ કરવામા આવશે?
નિવૃત જજ, સમાજના તટસ્થ આગેવાન, પોલીસકર્મીને તપાસ કમિટીમાં કેમ ન લીધા?
મેયરે આપ્યો બુધ્ધિપુર્વકનો જવાબ, કહ્યુ આ તો પ્રાથમિક સ્તરની તપાસ કમિટી છે!!
‘સીટ’ એટલે એક એવી તપાસ કમિટી હોય છે કે, તેમા સર્વપક્ષિય સભ્યો હોય છે. તેના બદલે અહીં તો જંગલેશ્વર કટકીકાંડમાં મનપાના અધિકારીઓની જ તપાસ કમિટી બનાવવાનું નાટક ભજવાઇ રહ્યુ છે? તપાસ કમિટીમાં નિવૃત જજ, શહેરમાંથી કોઇ તટસ્થ આગેવાન, પોલીસ કર્મચારીને તપાસ કમિટીમાં લેવાવા જોઇએ. એવુ શા માટે ન કર્યુ? તેની સામે મેયરે એવો બુધ્ધિપુર્વકનો જવાબ આપ્યો હતો કે, આ તો પ્રથમ સ્તરની તપાસ કમિટી છે. તેનો અહેવાલ રિપોર્ટ આવશે તેનો અમે અભ્યાસ કરીશુ!
જે બીલ ચુકવાઇ ગયા છે તે રીકવર કરવા કમિશનરનો દાવો
મેયર અને મ્યુનિ.કમિશનર બન્ને જંગલેશ્વર ડિમોલિશનનુ કટકીકાંડમાં બરોબરના ઘેરાઇ ગયા છે. દરોજ કટકીના નવા નવા આંકડ ઓનપેપર સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પોતાની છબી સ્વચ્છ રાખવાના જાણે પ્રયાસ રૂૂપે મ્યુનિ.કમિશનર અને મેયરે પત્રકારો સમક્ષ એવી ખાતરી આપી હતી કે, જે પેમેન્ટ રેટ કોન્ટ્રાક્ટમાં ચુકવાઇ ગયા છે તે રિકવર કરવા માટેના વિકલ્પો છે જ. ત્રણથી પાંચ રૂૂપિયામાં મળતી પાણીની બોટલના સીધા જ આઠ રૂૂપિયા ચુકવાયા હોય, ખાણીપીણીના ભુતિયા બીલ બન્યા હોય, આવા તો અનેક ખર્ચ ચુકવાઇ ગયાનુ ઓનપેપર મીડિયાએ સામે લાવ્યુ છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી છે. આમછતા મેયર અને મ્યુનિ.કમિશનરે જાણે અગાઉથી થયેલી આપસી સમજૂતી મુજબ એક જ ‘સ્ટિરિયો ટાઇપ’ જવાબ આપ્યો કે ખર્ચ અયોગ્ય હશે તો રિકવર કરાશે!
