અંજારના વરસામેડી વિસ્તારમાં રહેતા અને કોલસાનો વ્યવસાય કરતા વેપારી સાથે પંજાબની એક કંપનીના સંચાલકો દ્વારા કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. વરસામેડીમાં રિવેરા એલિગેન્સ-3માં રહેનાર અને નરસિંગ મર્કટાઈન પ્રા. લિ. કંપની સંભાળતા ધીરજકુમાર કિશનકુમાર કેજરીવાલે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
આ કંપનીની હેડ ઓફિસ કોલકાતા ખાતે છે અને કંપની કોલસા લે-વેચનું કામ કરે છે. ચારેક મહિના અગાઉ તેમના કાકા આનંદ કેજરીવાલે ગાંધીધામની જી. સી. ગર્ગ કંપની જેની મુખ્ય બ્રાન્ચ જલંધર પંજાબ ખાતે આવેલ છે, તેના સંચાલકો રાકેશ ગર્ગ, ત્રિનવ ગર્ગ અને આશિષ સિંગલા સાથે સંપર્ક કર્યો હતો, જેમાં તા. 15/2ના ચાર ડીલ નક્કી થઈ હતી અને પ000 ટન કોલસો અલગ-અલગ ભાવથી લેવાનું નક્કી કરાયું હતું.
બાદમાં તા. 24/2ના 1000 ટન તથા અન્ય બે વખત એમ કરીને કુલ 8000 ટન કોલસો લેવાનું નક્કી કરાયું હતું, જેની 10 ટકા એટલે રૂૂા. 1,07,65,000 રકમ સામાવાળાનાં બેંક ખાતાંમાં જમા કરાવાઈ હતી.
આ લેણ-દેણ બાદ સોદો નક્કી થતાં 45 દિવસ અંદર કોલસો પૂરો પાડવાનું નક્કી થયું હતું. દરમ્યાન આ કંપનીએ 341.830 ટન કોલસો આપતાં ફરિયાદી કંપનીએ પપ લાખ આરોપીના ખાતાંમાં જમા કરાવ્યા હતા. માર્ચ-2026માં કોલસાનો ભાવ વધી જવાનાં કારણે આરોપીઓએ બાકીનો 7658.170 ટન કોલસો આપ્યો નહોતો.
ગોળગોળ વાતો કરી હતી અને સમય પસાર કર્યો હતો, જેથી ફરિયાદીની કંપનીને અન્યત્રથી મોંઘો કોલસો લેવાનું થયું હતું, જેમાં તેમને રૂૂા. 2,97,00,000નું નુકસાન થયું હતું તેમજ આરોપીઓએ ડિપોઝિટ પેટેની રકમ રૂૂા. 1,07,65,000ની છેતરપિંડી કરી હોવાનું પોલીસ મથકે નોંધોલ ફરિયાદમાં જણાવ્યું હતું. અંજાર પોલીસે આ બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.
