કેન્દ્રની મંજૂરી વિના વિદેશી રાજદ્વારીઓ સાથે બેઠકની મનાઇ

રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત તમામ સરકારી વિભાગો માટે શિષ્ટાચાર જાળવવો ફરજિયાત, પરિપત્ર ગુજરાતમાં હવે વિદેશી રાજદ્વારીઓ અને કોન્સ્યુલર મિશનો સાથેના વ્યવહારો માટે અત્યંત કડક નિયમો લાગુ…

રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત તમામ સરકારી વિભાગો માટે શિષ્ટાચાર જાળવવો ફરજિયાત, પરિપત્ર

ગુજરાતમાં હવે વિદેશી રાજદ્વારીઓ અને કોન્સ્યુલર મિશનો સાથેના વ્યવહારો માટે અત્યંત કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે મુખ્યમંત્રી, મંત્રીઓ, રાજ્યપાલ કે સરકારના કોઈપણ ઉચ્ચ અધિકારીઓ વિદેશી રાજદ્વારીઓ કે પ્રતિનિધિઓ સાથે કેન્દ્ર સરકારની મંજૂરી વિના સીધી બેઠકો (ગુફ્તગૂ) કરી શકશે નહીં. ભારત સરકારના વિદેશ મંત્રાલય (ખઊઅ) ની લેખિત મંજૂરી વિના આવી કોઈપણ સત્તાવાર મુલાકાત કે બેઠક યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તાજેતરમાં રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક વિદેશી રાજદ્વારી મિશનો દ્વારા પ્રસ્થાપિત ડિપ્લોમેટિક પ્રોટોકોલ અને પ્રત્યાયન (કોમ્યુનિકેશન) વ્યવસ્થાને બાયપાસ કરવામાં આવી રહી છે. આ વિદેશી પ્રતિનિધિઓ કેન્દ્ર સરકાર કે પ્રોટોકોલ વિભાગ મારફતે આવવાના બદલે રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મહાનુભાવોના કાર્યાલયોનો સીધો જ સંપર્ક કરીને બેઠકો તથા શુભેચ્છા મુલાકાતો માંગી રહ્યા હતા.
ભારતના બંધારણની સાતમી અનુસૂચિ (સંઘ યાદી) અને ’ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા રૂૂલ્સ 1961’ મુજબ વિદેશ સંબંધો, વિદેશી પ્રતિનિધિઓ અને રાજદ્વારી બાબતો સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના (વિદેશ મંત્રાલયના) અધિકારક્ષેત્રમાં આવે છે. રાષ્ટ્રીય હિતો અને શિષ્ટાચારની જાળવણી માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે એકસૂત્રતા જાળવવી અનિવાર્ય હોવાથી આ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

તમામ વિભાગો અને કલેક્ટરોને કડક પાલનનો આદેશ આ નિયમો માત્ર મંત્રીઓ પૂરતા સીમિત નથી, પરંતુ સમગ્ર વહીવટી તંત્ર માટે છે. આ આદેશોનું રાજ્યભરમાં ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા માટે સચિવાલયના તમામ વહીવટી વિભાગોને તેમના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ, બોર્ડ-કોર્પોરેશનો, પોલીસ વડાઓ તેમજ તમામ જિલ્લા કલેક્ટરો અને ક્ષેત્રીય કચેરીઓને આ સૂચનાઓથી વાકેફ કરવા અને તેનો કડક અમલ કરાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

વાઇબ્રન્ટ સમિટ પહેલાં લેવાયેલું સૂચક પગલું આગામી સમયમાં ગુજરાતમાં ’વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ જેવા મોટા આયોજનો થતા રહે છે, જેમાં દુનિયાભરના રાજદ્વારીઓ અને ડેલિગેશન્સ ગુજરાત આવે છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં જ જાહેર કરવામાં આવેલા આ પરિપત્રથી વહીવટી વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂૂ થઈ છે. આ પગલાથી દેશના રાજદ્વારી હિતોનું સચોટ રક્ષણ થશે અને ભવિષ્યમાં કોઈપણ દેશ સાથેની સત્તાવાર સંચાર વ્યવસ્થા વધુ પારદર્શક અને પ્રોટોકોલ મુજબની બનશે.

પરિપત્રની મુખ્ય માર્ગદર્શિકા અને નિયમો
લેખિત મંજૂરી અનિવાર્ય: કોઈપણ વિદેશી મિશન કે કોન્સ્યુલર પ્રતિનિધિ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીઓ કે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ સાથે નીતિગત બાબતો, વિદેશ વેપાર, બાહ્ય સહાય કે પ્રોજેક્ટ કોલાબોરેશન માટે સંપર્ક કરવામાં આવે તો સીધો સ્વીકાર કે મંજૂરી આપી શકાશે નહીં. વિદેશ મંત્રાલયની સ્પષ્ટ લેખિત મંજૂરી ફરજિયાત રહેશે. વિદેશ પ્રવાસના આમંત્રણો: મંત્રીઓ કે અધિકારીઓને મળતા વિદેશ પ્રવાસના તમામ આમંત્રણો પણ સીધા સ્વીકારવાને બદલે વિદેશ મંત્રાલય અથવા રાજ્યના પ્રોટોકોલ વિભાગ મારફત જ આગળ વધારવાના રહેશે. માત્ર રોજિંદા કામકાજમાં જ છૂટ: તકનીકી વિષયો કે તથ્યલક્ષી (ફેક્ટ-બેઝ્ડ) માહિતી મેળવવા જેવી માત્ર રોજીંદી બાબતો અંગે જ કોન્સ્યુલર પ્રતિનિધિઓ સાથે સીધો પત્રવ્યવહાર કરવાની વહીવટી છૂટ રહેશે.