રાજકોટના કોઠારીયા ગામ વિસ્તારમાં સનસનાટી મચાવતી એક ઘટના સામે આવી છે, જ્યાં કોઠારીયા ગામમાં રહેતા 21 વર્ષીય યુવાન ધ્રુવ સુનીલગીરી ગૌસ્વામી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
ધ્રુવ જ્યારે કોઠારીયા રોડ પર આવેલા ગોકુલ પાર્ક ગેટની સામે શ્રી હોટલ પાસે હાજર હતો, ત્યારે જયુ મંઢ અને તેની સાથેના અન્ય ત્રણથી ચાર શખ્સોએ ત્યાં આવીને આતંક મચાવ્યો હતો. આ તમામ આરોપીઓ દારૂૂના નશામાં ધૂત હતા અને તેમણે ધ્રુવ પર અચાનક છરી વડે તૂટી પડીને આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
હુમલા દરમિયાન મુખ્ય આરોપી જયુએ ભયનું વાતાવરણ ઊભું કરતા ધમકી આપી હતી કે, ‘મેં એક મર્ડર તો કર્યું જ છે, બીજું મર્ડર થતાં વાર નહીં લાગે.’ આટલું કહીને યુવાનને લોહીલુહાણ કરી નાખ્યો હતો. ભોગ બનનાર ધ્રુવ અને તેના પિતા બંને લાદી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ધ્રુવને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, આ મામલે પોલીસે ગુનો નોંધી નશાખોર હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
