ગૃહિણીને ‘વર્ક ફ્રોમ હોમ’ની લાલચ આપી 5.11 લાખની છેતરપિંડી

સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરબેઠા કમાણી કરવાની લાલચ આપતી જાહેરાતોથી છેતરપીંડી કરતી ટોળકીએ સામાકાઠાની એક ગૃહિણીને શિકાર બનાવી વર્ક ફ્રોમ હોમ અને ઓર્ડર ટાસ્ક પૂર્ણ કરવાની…

સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરબેઠા કમાણી કરવાની લાલચ આપતી જાહેરાતોથી છેતરપીંડી કરતી ટોળકીએ સામાકાઠાની એક ગૃહિણીને શિકાર બનાવી વર્ક ફ્રોમ હોમ અને ઓર્ડર ટાસ્ક પૂર્ણ કરવાની લાલચ આપી રૂૂ. 5.11 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ શહેરના કુવાડવા રોડ પર આવેલ રણછોડનગર સોસાયટી શેરી નં. 8માં રહેતાં ગૃહિણી પ્રીમાબેન અભિષેકભાઇ રામાણી (ઉ.વ. 32) સાથે “વર્ક ફ્રોમ હોમ” અને “ઓર્ડર ટાસ્ક” પૂર્ણ કરવાના છેતરપિંડીનો ભોગ બન્યા હતા,ફરિયાદી પ્રીમાબેનના જણાવ્યા મુજબ, ગત તા. 17/08/2026ના રોજ તેઓના ઇન્સ્ટાગ્રામમાં જાણીતી ઇ-કોમર્સ કંપની માયનત્રાના લોગો અને હેડિંગ સાથેની એક જાહેરાત આવી હતી. તેમાં ઓર્ડરના ટાસ્ક પૂરા કરી ઘરબેઠા કમાણી કરવાની વિગતો હતી. જાહેરાતની લિંક પર ક્લિક કરતાં તે ટેલિગ્રામમાં ઓપન થઈ હતી. ત્યાંથી એક અન્ય લિંક (mybikut.com) મારફતે તેમના મોબાઇલમાં Myntraના નામે નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આઇડી બનાવડાવવામાં આવ્યું હતું.

સૌપ્રથમ જોઈનિંગ અને પ્રથમ ટાસ્ક માટે રૂૂ. 100 ભરાવ્યા હતા, જેની સામે નફા સાથે રૂૂ. 247 ખાતામાં ક્રેડિટ થયા હતા. ત્યારબાદ બીજા ટાસ્કમાં ટુકડે-ટુકડે રૂૂ. 2,400 ભરાવી સામે રૂૂ. 3,863નું વળતર આપી ફરિયાદીનો વિશ્વાસ જીતી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજા તબક્કામાં કુલ 9 મુખ્ય ટાસ્ક અને દરેકના 6 પેટા ટાસ્ક મળીને કુલ 54 ઓર્ડર ટાસ્ક આપવામાં આવ્યા હતા. જેમાં વિડ્રોઅલ મેળવવા માટે ઉત્તરોત્તર વધુ રકમ જમા કરાવવાની શરત રાખવામાં આવી હતી.

પ્રીમાબેને આપેલા અલગ-અલગ યુપીઆઈ આઈડીમાં કુલ રૂૂ.5.11 લાખ જમા કરાવ્યા હતા.ટાસ્ક પૂર્ણ થતાં એપમાં પ્રોફિટ સાથે રૂૂ. 13,52,807 બેલેન્સ બતાવતું હતું. પરંતુ જ્યારે આ રકમ ઉપાડવા માટે રિક્વેસ્ટ મૂકી, ત્યારે “બેંકે તમારું એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે, જેને અનફ્રીઝ કરવા માટે કુલ રકમના 20% વધારાના ભરવા પડશે” તેવો મેસેજ આવ્યો હતો. વધારાના નાણાં માંગતા પ્રીમાબેનને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આથી તેમણે તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.ડી. ગઢવી અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.