રાજકોટ બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા અંગે 31મીએ વકીલો વચ્ચે બેઠક

રાજકોટ બાર એસો.ની ચૂંટણી દર વર્ષે યોજાઈ રહી છે ત્યારે દર વર્ષે યોજાતી બાર એસોસીએશનની ચૂંટણી દર બે વર્ષે યોજવા અંગે વકીલોની માંગ ઉઠતાં બાર…

રાજકોટ બાર એસો.ની ચૂંટણી દર વર્ષે યોજાઈ રહી છે ત્યારે દર વર્ષે યોજાતી બાર એસોસીએશનની ચૂંટણી દર બે વર્ષે યોજવા અંગે વકીલોની માંગ ઉઠતાં બાર એસોસીએશનના બંધારણ સુધારણા માટે કમિટીની રચના કરવામાં આવી છે અને બાર એસોસીએશનની ચૂંટણી દર બે વર્ષે યોજવા અંગે આગામી 31મી જુલાઈએ બાર એસીએશન દ્વારા જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે અને જે બેઠકમાં વકીલો ચૂંટણી અંગે ચર્ચા કરશે.

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી દર વર્ષે યોજાઈ રહી છે ત્યારે વકીલો દ્વારા દર વર્ષે ચૂંટણીમાં થતાં ખર્ચા અને કામગીરીમાં થતી દખલને પગલે બાર એસોસીએશનની ચૂંટણી દર બે વર્ષે યોજવાની માંગ ઉઠી હતી. જેના પગલે બાર એસોસીએશન દ્વારા બાર એસોસીએશનના બંધારણ સુધારણા અંગે એક કમીટીની રચના કરવામાં આવી હતી. જેમાં સિનિયર ધારાશાસ્ત્રી આર.એમ.વારોતરીયા, મહર્ષિભાઈ પંડયા, હેમેનભાઈ ઉદાણી, જયદેવભાઈ શુકલ, અમીતભાઈ જોષી, તુલસીદાસ ગોંડલીયા અને રવિભાઈ ગોગીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ કમીટીની મિટીંગ ગત તા.15નાં રોજ મળી હતી. જેમાં ઠરાવ્યા મુજબ રાજકોટ બાર એસોસીએશનની બંધારણ સુધારણા કમિટીની મીટીંગમાં ચર્ચા કરવામાં આવેલ કે દર બે વર્ષે ચૂંટણી યોજવામાં આવે તો વકીલને સમય અને ખર્ચની બરબાદી અટકે તેમ છે. ચૂંટણી સમયે બે થી ત્રણ માસ માટે કામગીરી થઈ શકતી ન હોય અને તેથી પુરતો એક વર્ષનો સમય મળતો નથી. જેથી ચૂંટણી બે વર્ષે યોજવી જરૂરી છે. ચૂંટાયેલી કમીટીની એક વર્ષના બદલે બે વર્ષનો પુરતો સમય મળે તો બાર એસોસીએશન માટે યોગ્ય કામગીરી કરી શકે તેમજ તે માટે તમામ જગ્યાઓ માટે બે વર્ષ માટે ચૂંટણી યોજવી અને તે મુજબનો રાજકોટ બાર એસોસીએશનના બંધારણમાં યોગ્ય આનુસંગીક સુધારો કરવા અંગેનો નિર્ણય કરવા અંગે તેમજ તે અંગે આગળની કાર્યવાહી કરવા બાર એસોસીએશન દ્વારા આગામી 31મી જુલાઈએ બપોરે એક કલાકે ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગમાં પહેલા માળે બી-વિંગમાં બાર રૂમ ખાતે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે અને જેમાં તમામ વકીલોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.