Site icon Gujarat Mirror

જસદણના હીરાના કારખાનેદાર સાથે 4.90 લાખની છેતરપિંડી

ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત અને નવસારીના કનેક્શન સાથે જસદણમાં હીરાની છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જસદણમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક કારખાનેદાર પાસેથી લાખો રૂૂપિયાના હીરા મેળવી લીધા બાદ, તેના પૈસા ન ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે સુરત અને નવસારીના એક શખ્સ સામે જસદણ પોલીસ મથકમાં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, જસદણના ચિતલીયા રોડ પર આવેલા લક્ષ્મણનગરમાં રહેતા અને હીરાનું કારખાનું ધરાવતા 40 વર્ષીય કારખાનેદાર દશરથભાઇ અશોકભાઇ કાછડીયા (પટેલ) એ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી પરાગભાઇ હીરાલાલ મહેતા (હાલ રહે. 306, પીપળાવાળી શેરી, મહીધરપુરા, સુરત; મૂળ રહે. 204, આદેશ્વર એપાર્ટમેન્ટ, શાંતાદેવી રોડ, નવસારી) એ વેપારના બહાને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો.

આરોપી પરાગ મહેતાએ ફરિયાદી દશરથભાઇ પાસેથી અંદાજે રૂૂા. 4,90,000 (ચાર લાખ નેવું હજાર) ની કિંમતના કિંમતી હીરા (ડાયમંડ) મેળવ્યા હતા. હીરાની ડિલિવરી લીધા બાદ નિયત સમયમર્યાદામાં તેની રકમ ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે, લાંબો સમય વીતી જવા છતાં આરોપીએ હીરાના બાકી નીકળતા રૂૂા. 4,90,000 ચૂકવ્યા ન હતા. ફરિયાદી દ્વારા અવારનવાર ઉઘરાણી કરવા છતાં આરોપીએ પૈસા આપવાને બદલે વાયદાઓ કર્યા હતા અને અંતે રકમ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ કારખાનેદાર દશરથભાઇ કાછડીયાએ આખરે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. જસદણ પોલીસે આ મામલે ફરિયાદીની મૌખિક અને લેખિત હકીકતોને આધારે આરોપી પરાગભાઇ હીરાલાલ મહેતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હીરા ઉદ્યોગમાં શાખ અને વિશ્વાસના આધારે લાખો રૂૂપિયાનો વેપાર થતો હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા સ્થાનિક હીરા બજારના વેપારીઓમાં પણ ચર્ચા જાગી છે. સુરતના મહીધરપુરા જેવા મુખ્ય હીરા બજારના વિસ્તારમાં રહેતા શખ્સે આ આખી ઘટનાને અંજામ આપ્યો હોવાથી જસદણ પોલીસે સુરત અને નવસારી પોલીસનો સંપર્ક સાધી આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ શરૂૂ કરી છે. આ કેસની વધુ તપાસ સ્થાનિક પોલીસ અધિકારી ચલાવી રહ્યા છે.

Exit mobile version