અષાઢી બીજના તહેવાર પૂર્વે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબી ની ટીમ એ હથિયારના સોદાગરો સામે કડક કાર્યવાહી કરી વેપન કાર્ટેલ’ ના વધુ 3 સાગરીતોને 3 દેશી પિસ્તોલ જપ્ત સાથે ઝડપી લીધા છે.
અષાઢી બીજની રથયાત્રા પૂર્વે પીસીબી ની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરી અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓ પાસેથી 24 હથિયારો અને 32 જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે.
શહેરમાં રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત જળવાઈ રહે, તેમજ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગુન્હાખોરી ડામવા અને કડક પગલાં લેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) દ્વારા ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરતી કુખ્યાત “વેપન કાર્ટેલ” પર સકંજો કસવામાં આવ્યો છે. આ ઓપરેશન અંતર્ગત પોલીસે વધુ ત્રણ ઇસમોને 3 દેશી બનાવટની પિસ્તોલ સાથે દબોચી લીધા છે. અગાઉ પકડાયેલા આરોપીની પૂછપરછમાં થયો ખુલાસો થયો છે.
પીસીબીના પી.આઈ એમ.આર. ગોંડલીયાના સીધા માર્ગદર્શન હેઠળ ટીમે અગાઉ ગેરકાયદેસર હથિયારોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી 8 આરોપીઓને 21 હથિયારો અને 32 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધા હતા. આ તપાસ દરમિયાન પકડાયેલા આરોપી પ્રદિપભાઇ અનકભાઇ કરપડાની આકરી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, તેણે અગાઉ અન્ય ત્રણ ઇસમોને ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો વેચ્યા હતા. આ બાતમીના આધારે પીસીબીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ધ્રુવ ઉર્ફે કનૈયો સુનીલગીરી ગૌસ્વામી (ઉ.વ. 21, રહે. હુડકો ચોકડી, રાજકોટ), જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઇ ખાચર (ઉ.વ. 34, રહે. ખેરડી, ચોટીલા) અને શ્યામ રાજુભાઇ પરમાર (ઉ.વ. 21, રહે. ચોટીલા)ની ધરપકડ કરી હતી. પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી રૂૂ.30,000 ની કિંમતની 3 નંગ દેશી પિસ્તોલ કબજે કરી છે. આરોપીઓ પૈકી જયરાજ ઉર્ફે લાલો ખાચર નામનો શખ્સ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ રાજકોટ બી-ડિવિઝન, મૂળી, વાંકાનેર અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યા , હત્યાનો પ્રયાસ , રાયોટિંગ, એટ્રોસિટી એક્ટ તેમજ પ્રોહિબિશન હેઠળના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે.
પીસીબી ની ટીમે ગેરકાયદેસર હથિયારોના રેકેટ ઉપર પ્રહાર કરી અત્યાર સુધીમાં આ “વેપન કાર્ટેલ” ના કુલ 11 સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને તેમની પાસેથી કુલ 24 દેશી બનાવટના હથિયારો તેમજ 32 નંગ જીવતા કારતૂસ જપ્ત કરવામાં સફળતા મેળવી છે. પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા સાતે પીએસઆઈ પી.બી.ત્રાજીયા, પીએસઆઈ આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા , યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.
