ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે પૂર્વે ગઈ કાલે મોડી રાત્રે ભાજપ દ્વારા 51 પૈકી 47 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 47 પૈકી 7ને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત 36ને કાપવામાં આવ્યા છે. જોકે, હજુ પણ કુંભારવાડા, પીરછલ્લા, બોરતળાવ, દક્ષિણ સરદાર નગર અને ઘોઘા સર્કલ વોર્ડમાંથી એક એક ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ઉમેદવારો જાહેર થતા તખ્તેશ્વર અને દક્ષિણ સરદારનગર સહિતના વોર્ડમાં ઉમેદવારો સામે વિરોધ પણ થયો હતો.
ભાજપ દ્વારા જાહેર કરેલા 47 ઉમેદવારોમાં હાલના શિક્ષણ સમિતિના બે સભ્ય, બે પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ નગરસેવકો, વર્તમાન અને પૂર્વ વોર્ડ પ્રમુખ, પૂર્વ મહામંત્રી, યુવા મોરચાના હોદ્દેદારો સહિતનો સમાવેશ કર્યો છે.
ભાવનગર મહાનગરપાલિકા ની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં પક્ષ દ્વારા ‘નો-રિપીટ’ થિયરી અને જ્ઞાતિગત સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેમ જણાય છે. કુલ 13 વોર્ડ માટે જાહેર કરાયેલી આ યાદીમાં અનેક પીઢ નેતાઓના પત્તા કાપી નાખવામાં આવ્યા છે, જ્યારે નવા અને ઉત્સાહી ચહેરાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
વોર્ડ વાઈઝ મહત્વના ઉમેદવારોમાં વોર્ડ-1: હીરાબેન કુકડિયા, પાયલ પંચાલ, સંજય રાઠોડ અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા, વોર્ડ-3: ઉષાબેન ગોહેલ, દિપ્તીબેન ધારેયા, હરેશભાઈ મેણીયા અને લાલાભાઈ વાજા, વોર્ડ-7: જાગૃતિબેન રાવણ, દક્ષાબેન ભટ્ટ, સંજયભાઈ શાહ અને ભાવિકભાઈ મણિયાર, વોર્ડ-12: વંદના જંબુચા, જાગૃતિબેન પટેલ, જસવંતસિંહ ગોહિલ અને કિશનભાઈ મહેતાનો સમાવેશ થાય છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે પક્ષે અનેક પૂર્વ હોદ્દેદારો અને સ્થાપિત નેતાઓની ટિકિટ કાપી છે. આ યાદીમાં પૂર્વ મેયર કીર્તિબેન દાણીધારિયા અને પૂર્વ મેયર ભરતભાઈ બારડ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેર પ્રમુખ કુમાર શાહ, અમરશી ચુડાસમા, સેજલ ગોહેલ, ગોપાલ મકવાણા, દિલીપ જોબનપુત્રા પક્ષના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં સોપો પડી ગયો છે. કેટલાક જૂના જોગીઓના નામ કપાતા આંતરિક અસંતોષ ઊભો થાય છે કે કેમ તે જોવું રહ્યું.
ભાજપે સામાજિક સમરસતા જાળવવા માટે ઘઇઈ, જઈ અને મહિલા અનામત બેઠકો પર જે-તે વર્ગના મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ખાસ કરીને શિક્ષિત અને સામાજિક રીતે સક્રિય મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ યાદી જાહેર થતાની સાથે જ હવે તમામ વોર્ડમાં પ્રચારની કામગીરી વેગીલી બનશે. હવે જોવાનું એ રહે છે કે મતદારો આ નવા ચહેરાઓને કેટલો આવકારે છે.

