જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે, જેનો આવતીકાલે શનિવારે છેલ્લો દિવસ છે, જ્યારે આજે વોર્ડ નંબર 1ર ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્તાફ ખફી એ પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અલ્તાફ ખફી સામે મારામારીના કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને હાલ તે જિલ્લા જેલમાં છે.
આ પછી તેની સામે ગુજસીટોકનો ગુન્હો પણ નોંધાયો હતો. આથી આજે જેલ માંથી તેણે પોલીસ જાપ્તા હેઠળ આવીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સમયે તેમની સાથે પૂર્વ સાંસદ અને કોંગ્રેસ અગ્રણી વિક્રમભાઈ માડમ અને મહાનગરપાલિકામાં વિપક્ષના પૂર્વ નેતા ધવલ નંદા વિગેરે પણ સાથે રહ્યા હતાં.

