Site icon Gujarat Mirror

બોટાદમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ શખ્સનું હાર્ટએટેકથી મોત

બોટાદની એક ચકચારજનક ઘટના સામે આવી છે. જેમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા એક આરોપીનું હાર્ટએટેકથી મોત થયું છે. આ ઘટના બાદ પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે. બોટાદ પોલીસે ભરતભાઈ બચુભાઈ ગોહિલ નામના વ્યક્તિની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી.

ભરત ગોહિલ બોટાદ શહેરમાં ગઢડા રોડ પર આવેલા શીવપરા વિસ્તારનો રહેવાસી હતો. તે પોલીસ કસ્ટડીમાં હતો અને ત્યારે તેને અચાનક હાર્ટએટેક આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યો હતો.

પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટે મૃતદેહને ભાવનગર મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટનાએ પોલીસ કાર્યવાહી અને કસ્ટડીમાં રહેલા આરોપીઓની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. તે ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ મામલે સંપૂર્ણ પારદર્શિતાથી તપાસ કરશે.

Exit mobile version