Site icon Gujarat Mirror

હાર્ટએટેક: નાથદ્વારા દર્શન કરી પરત ફરેલા રાજકોટનાં આધેડે અનંતની વાટ પકડી

oplus_2097152

ટંકારાના ઉગમણાનાથા ગામના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત

હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોગ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે ઘટનામાં બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટના આધેડ નાથદ્વારા દર્શન કરી ઘરે પરત ફરતાની સાથે જ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત નિપજ્યું હતું. જયારે ટંકારાના ઉગમણાનાથા ગામે યુવકનો શ્વાસ થંભી જતાં મોત નિપજ્યું હતું. યુવક અને આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં નાનામવા મેઈન રોડ પર અલય પાર્કમાં રહેતાં નિતેશભાઈ નાનજીભાઈ ભાલાળા નામના 53 વર્ષના આધેડ વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક મિતેશભાઈ ભાલાળા બે ભાઈ ચાર બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. નિતેશભાઈ ભાલાળા નાથાદ્વારા દર્શન કરી ઘરે પરત ફર્યા હતાં અને કપડા બદલતાં હતાં ત્યારે જ આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ટંકારાના ઉગમણાનાથા ગામે રહેતાં હરેશ દિનેશભાઈ જાદવ નામનાં 27 વર્ષના યુવકને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈમાં નાનો હતો અને તેને ત્રણ બાળકો હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version