Site icon Gujarat Mirror

પતિની આવક-જવાબદારી કરતા વધી જાય એટલું ભરણપોષણ ન હોઇ શકે: હાઇકોર્ટ

ભરણ પોષણની રકમ ડબલ કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયને ગેરવ્યાજબી ઠેરવાયો

ગુજરાત હાઈકોર્ટે પતિ-પત્નીના ભરણપોષણ કેસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પતિ પર બાંધવામાં આવેલું ભરણપોષણ એટલુ બધુ વધુ પડતું ન હોવું જોઇએ કે જે પત્નીની નિષ્ક્રિયતાને પ્રોત્સાહન આપે અથવા પતિની આવક અને જવાબદારી કરતા અપ્રમાણસર બને કે વધી જાય.

આ કેસની વિગત મુજબ, સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટે પત્નીને દર મહિને રૂૂ. 2500 અને સગીર બાળકને રૂૂ. 4000 મળીને કુલ રૂૂ. 6500 નું ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો, જેમાં કોઈ પણ વાજબી કારણો વિના વધારો કરીને રકમ સીધી બમણી એટલે કે રૂૂ. 14000 કરી દેવામાં આવી હતી. આ અંગે બાદમાં અરજદાર પતિએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી કરી હતી.

ગુજરાત હાઇકોર્ટે આ અંગે નોંધ્યું હતું કે, ફુગાવા અને કેસના બદલાયેલા સંજોગોના કારણે ભરણપોષણમાં વધારો થઈ શકે છે, પરંતુ પત્ની કમાતી નથી અને ફુગાવો વધ્યો છે માત્ર તે હકીકતને ધ્યાનમાં રાખીને કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વિના ભરણપોષણની રકમ સીધી બમણી કરી શકાય નહીં. જસ્ટિસ પી.એમ. રાવલે આ કેસની સુનાવણી દરમિયાન ફેમિલી કોર્ટ દ્વારા પત્ની અને સંતાનના ભરણપોષણની રકમ સીધી બમણી કરવાના નિર્ણયને ગેરવાજબી અને અયોગ્ય ઠેરવ્યો હતો.

અરજદાર પતિ તરફથી કરવામાં આવેલી રિટ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેના ઇન્કમટેક્સ રિટર્ન મુજબ તેની માસિક આવક રૂૂ. 25,900 છે. જો ફેમિલી કોર્ટના હુકમ મુજબ તે રૂૂ. 14,000 ભરણપોષણ તરીકે ચૂકવે, તો તેને પોતાની આવકના 50 ટકા હિસ્સો ભરણપોષણમાં આપી દેવાની ફરજ પડશે, જે બિલકુલ ગેરવાજબી અને ગેરકાયદેસર છે.

વધુમાં, અરજદાર પતિ પર તેની 76 વર્ષની વયોવૃદ્ધ અને બીમાર માતાના ભરણપોષણની પણ જવાબદારી છે. આ તમામ સંજોગો અને તથ્યોને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટના હુકમમાં દરમિયાનગીરી કરી અને બમણી કરાયેલી ભરણપોષણની રકમમાં ઘટાડો કરી હુકમમાં ફેરફાર કર્યો છે.

Exit mobile version