ભાજપમાં હવે એક પરિવાર એક હોદ્દો, ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા હોય તેને ટિકિટ નહીં મળે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક સિનિયરો કપાશે, નવા ચહેરાઓને તક ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા નો-રિપીટ થિયેરી માટે…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક સિનિયરો કપાશે, નવા ચહેરાઓને તક

ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા નો-રિપીટ થિયેરી માટે એક વ્યક્તિ-એક હોદ્દો અને ત્રણ ટર્મ ચૂંટણી લડેલા નેતાઓને નો-ટિકિટનો પ્રયોગ અપનાવવામાં આવનાર છે.

આગામી ચૂંટણીમાં એન્ટી ઇન્કમબસી આંતરિક વિખવાદ ઉપરાંત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પડકારોને પહોંચી વળવા ભાજપ દ્વારા મહદઅંશે નવા ચહેરાઓને જ ટિકિટો આપવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે ત્યારે ભાજપે ઉમેદવારોની પસંદગી માટે આકરા માપદંડો નક્કી કર્યા છે. પાર્ટીના સૂત્રો મુજબ, જે નેતાઓ સતત 3 ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે, તેમને આ વખતે ટિકિટ આપવામાં નહીં આવે. ભાજપ આ નિયમ દ્વારા નવા અને યુવા ચહેરાઓને તક આપવા માંગે છે, જેથી સંગઠનમાં નવી ઊર્જાનો સંચાર થાય. આ નિર્ણયથી અનેક સિનિયર નેતાઓના પત્તાં કપાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, ભાજપે આ વખતે ’એક પરિવાર, એક હોદ્દો’નો કડક નિયમ અપનાવવાની તૈયારી કરી છે.

આ નિયમ મુજબ, એક જ પરિવારના એકથી વધુ સભ્યોને ટિકિટ કે હોદ્દો આપવામાં આવશે નહીં. બિનસત્તાવાર રીતે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ શરૂૂ કરી દેવામાં આવી છે. જવાબદાર અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને ચોક્કસ ગાઈડલાઈન સાથે ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે.

રાજ્યમાં SIRની પ્રક્રિયા ચાલી રહી હોવાને કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજાઈ શકી નથી. જોકે, ભાજપે આ સમયનો ઉપયોગ સંગઠનને મજબૂત કરવા માટે કર્યો છે. ખાસ કરીને વિરોધ પક્ષોના વધતા પ્રભાવને ખાળવા માટે ભાજપ ’નો રીપીટ થીયરી’ અને નવા કડક નિયમો સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.