દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ધર્મમય થશે ઉજવણી

દ્વારકાથી 16 કિમી દૂર આવેલાં દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે આગામી મહા વદ 14, તા.15-02-2026 ને રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભકિતભાવ સાથે ધર્મમય…

દ્વારકાથી 16 કિમી દૂર આવેલાં દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે આગામી મહા વદ 14, તા.15-02-2026 ને રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભકિતભાવ સાથે ધર્મમય ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રિ એ શિવજીની આરાધનાનું મહાપર્વ હોય આ પાવન પર્વે ભાવિકો દ્વારા શિવજીની વિશેષ આરાધના કરવામાં આવે છે. નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રિ પર્વે આરતી તથા રાત્રિના ચાર પ્રહરની પૂજા સહિતના ધાર્મિક આયોજનો હાથ ધરાયા છે.

મહાશિવરાત્રિ પર્વે નાગેશ્વર જયોતિર્લિંગમાં પ્રાત: આરતી સવારે 5:00 કલાકે, શૃંગાર દર્શન સવારે 5 થી 8 વાગ્યા સુધી તેમજ નીરાજન મહા આરતી રાત્રિના 8:00 કલાકે યોજાશે જેમાં બહોળી સંખ્યામાં શિવભકતો જોડાશે. નાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સેવાભાવી ભાવિકો તથા તંત્રની મદદથી યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવનાર છે.

શાસ્ત્રો અનુસાર ચાર પ્રહરની પૂજા કરવાથી ભકતોને શિવકૃપા, કલ્યાણ, આરોગ્ય અને મનોઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાશિવરાત્રિએ પ્રથમ પ્રહર રાત્રિના 9 થી 11 સુધી, દ્વિતીય પ્રહર રાત્રે 11 થી 1 સુધી, તૃતીય પ્રહર રાત્રે 1 થી 3 સુધી તેમજ ચતુર્થ પ્રહર વહેલી સવારે 3 થી 5 વાગ્યા સુધી એમ રાત્રિના ચારેય પ્રહર દરમ્યાન વિશેષ શિવપૂજા કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રિના 12 કલાકે શિવજીની વિશેષ આરતી પણ કરવામાં આવશે. મંદિરમાં ભાવિકોની ભીડ રહેતી હોય આરતી તથા ચાર પ્રહરની પૂજા માટે મહાશિવરાત્રિ પૂર્વે નાગેશ્વર મહાદેવ મંદિર કાર્યાલયે પૂર્વ નોંધણી ફરજીયાત રાખવામાં આવી છે.