Site icon Gujarat Mirror

કોઠારીયા રિંગ રોડ પર ટ્રકમાં વાયરની આડમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂા.3.89 લાખનો દારૂ ઝડપાયો

શહેરની ભાગોળે કોઠારીયા રીંગ રોડ પર લીજ્જત પાપડ પાસેથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો. ટ્રકમાં વાયરની આડમાં ચોર ખાનું બનાવી છુપાવેલો 156 બોટલ દારૂ અને ટ્રક મળી કુલ રૂા.8.94 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ દિલીપ બોરીચા, દિપક ચૌહાણ, વિશાલ દવે સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ગ્રીન લેન્ડ ચોકડી તરફથી ગોંડલ ચોકડી તરફ જતાં ટ્રકમાં વાયરની આડમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળતાં પોલીસે કોઠારીયા રીંગ રોડ પર લીજ્જત પાપડ સામે હાઈવે પર વોચ ગોઠવી હતી.

દરમિયાન ત્યાંથી પસાર થતાં બાતમી મુજબના ડ્રકને અટકાવી તલાસી લેતાં ટ્રકમાં એસ.એસ.વાયરના બંડલો જોવામાં આવેલા જેની નીચે ચોર ખાનુ બનાવેલું હોય જેમાં તપાસ કરતાં વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલ ન.156 કિ.રૂા.3,89,160 મળી આવતાં પોલીસે ટ્રક ચાલક ચંદનસિંહ નૈનુસિંહ રાવત (રહે.ખલીયા, રાજસ્થાન)ને ઝડપી લઈ ટ્રક અને દારૂ મળી કુલ રૂા.8,94,160નો મુદ્દામાલ કબજે કરી આરોપીની પુછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ આ દારૂનો જથ્થો રાજસ્થાનમાં અલ્વર હાઈવે પર આવેલા ઢાબા પરથી વિક્રમસિંહ હજારેસિંહ ચૌહાણએ ભરી આપ્યો હોવાનું અને રાજકોટ ગોંડલ હાઈવે તરફ લઈ જવાનું જણાવ્યું હોવાની કબુલાત આપતાં પોલીસે ટ્રક ડ્રાયવરની ધરપકડ કરી દારૂ મોકલનાર સપ્લાયરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version