કુવાડવામાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની ટીમે સતર્કતા દાખવીને ટ્રાન્સપોર્ટની આડમાં ચાલતી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક…

શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની ટીમે સતર્કતા દાખવીને ટ્રાન્સપોર્ટની આડમાં ચાલતી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ અને મદદનીશ પોલીસ કમિશનર વી.બી. જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવા માટે પોલીસ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.આર. વસાવાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાગામ આણદપર ગામ પાસે આવેલા રૂડા ટ્રાન્સપોર્ટ નગર સ્થિત વી.આર.એલ. લોજીસ્ટીક લિમિટેડ નામના ટ્રાન્સપોર્ટમાં હરિયાણાથી બેરલોમાં છુપાવીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે.

આ બાતમીના આધારે પી.આઈ. વી.આર. વસાવા તથા ડી.સ્ટાફના પો.સબ.ઇન્સ. એ.એ. બ્લોચ અને તેમના સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી ઉપરોક્ત ટ્રાન્સપોર્ટની જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પર તપાસ કરતા લોખંડના બેરલોની અંદરથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 3,504 ચપલા (180 એમ.એલ.ની પ્લાસ્ટિકની કંપની સીલપેક બોટલો) જેની કિંમત 4,80,550 રૂપિયા થાય છે, તે કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત, દારૂ સંતાડવા માટે ઉપયોગમાં લેવાયેલા 13 નંગ લોખંડના બેરલ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત 1,300 રૂપિયા આંકવામાં આવી છે. આમ, કુલ 4,81,850 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હરિયાણાના પાનીપત સ્થિત રિફાઇનરી રોડ પર આવેલ ’ગણેશ ઓટો મોબાઇલ’ના માધ્યમથી આ દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો, જ્યારે રાજકોટમાં હિતેશભાઈ નામના વ્યક્તિએ આ જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. વસાવા, પો.સબ.ઇન્સ. એ.એ. બ્લોચ, એ.એસ.આઇ. કે.વી. જાડેજા, જયદિપભાઇ ધોળકીયા તેમજ પો.હેડ કોન્સ. એમ.કે. રબારી અને અન્ય પોલીસ સ્ટાફના માણસોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.