સંજય ઉર્ફે ટકો અગાઉ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે
તાજેતરમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક વાનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિશાલભાઈ નરેશભાઈ વઘાસીયા પર બે શખ્સો દ્વારા હુમલો કરી, ઝપાઝપી કર્યા બાદ તેમનો રૂ. 40,000ની કિંમતનો આઈફોન લૂંટી લેવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી.આ ઘટનામાં નામચીન સંજય ઉર્ફે ટકાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, કોન્સ્ટેબલ વિશાલભાઈ રાત્રિના સમયે 112 જનરક્ષક વાનમાં ફરજ પર હતા ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા નવાગામ આણંદપર વિસ્તારમાં ઝઘડા અંગેનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાત જ મિનિટમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં દીપક પલારીયા નામના શખ્સે પોલીસ સાથે ઉધ્ધત વર્તન કરી મોડા આવવા બાબતે બોલાચાલી શરૂ કરી હતી.
આ સમયે ત્યાં હાજર સંજય ઉર્ફે ટકો રોજાસરાએ પોલીસ કોન્સ્ટેબલ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી.
મામલો ઉગ્ર બનતા બંને શખ્સોએ પોલીસમેનનો આઈફોન 14 પ્લસ ઝૂંટવી લીધો હતો અને એક્સેસ મોટરસાઈકલ પર સવાર થઈ ફરાર થઈ ગયા હતા.
આ ગંભીર ઘટના અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ અને લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓ પૈકીનો સંજય ઉર્ફે ટકો અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચુક્યો છે. વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતા આ આરોપીઓને પકડવા માટે પીઆઈ વી. આર. વસાવા, પીએસઆઈ બ્લોચ, અજિતભાઈ લોખીલ અને સ્ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પરિણામે, ઘટનાના એક અઠવાડિયા બાદ પોલીસે સંજયની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
