Site icon Gujarat Mirror

‘ચાલ આપણે ફરી ભાગી જઈએ’ કહી પરિણીતાને ધમકી આપી : ઠપકો આપવા જતાં પરિવાર ઉપર હુમલો

રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતી પરિણીતાને ગામના જ શખ્સે ‘ ચાલ આપણે ફરી ભાગી જઈએ’ તેમ કહેતા પરિણીતાએ સાથે ભાગવાની ના પાડતાં શખ્સે તેના પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પરિણીતા અને તેનો પરિવાર આરોપીને ઠપકો આપવા તેના ઘરે જતાં શખ્સ અને તેના માતા-પિતાએ લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગઢકા રોડ પર ફાળદંગ ગામે રહેતી દયાબેન કાનજીભાઈ ગોહેલ (ઉ.વ.28) નામની પરિણીતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ફાળદંગ ગામે રહેતા અશ્વિન હકાભાઇ રાવળદેવ તેની માતા વનિતાબેન અને તેના પિતા હકાભાઇ રાવળદેવના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તારીખ 20ના સાંજના સાતેક વાગ્યે આસપાસ તે ઘરે કામ કરતી હતી ત્યારે ઘરની ડેલી ખુલ્લી હોય દરમિયાન ગામમાં રહેતો અશ્વિન બાઇક લઈને ડેલી સામે ઊભો રહીને કહેતો હતો કે, ચાલ આપણે બંને અગાઉ ભાગી ગયા હતા એવી રીતે ફરી ભાગી જઈએ. જેથી પરીણિતાએ ના પાડતા અશ્વિને કહ્યું હતું કે, તું મારી સાથે નહીં આવે તો તારા પતિ કાનાને તથા તારા છોકરાઓને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તે જતો રહ્યો હતો.

પરિણીતાએ આ બાબતે પતિને વાત કરી હતી બાદમાં રાત્રિના દસેક વાગ્યે આસપાસ પરિણીતા તથા તેના પતિ કાનાભાઈ સાસુ ભાનુબેન જેઠ ભરતભાઈ બધા અશ્વિન રાવળદેવના ઘરે તેના માતા-પિતાને ઠપકો આપવા માટે ગયા હતા. આ બાબતે વાતચીત ચાલતી હતી દરમિયાન અશ્વિન તેના ઘરમાંથી લોખંડનો પાઇપ લઈને આવ્યો હતો અને ફરિયાદીના પતિ કાનાભાઈને હાથમાં થતા પગના ભાગે પાઇપના ઘા ફટકારી દીધા હતા તેમજ પરિણીતાના સાસુ ભાનુબેનને હકાભાઇએ લોખંડનો પાઈપ ફટકાર્યો હતો તથા લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. બાદમાં પરિણીતા તેના પતિ અને સાસુ સહિતનાઓ ઘરે આવી ગયા હતા. દરમિયાન અશ્વિને કહ્યું હતું કે, આજે તો તમે બચી ગયા છો હવે પછી અમારા ઘરે આવશો તો તમને બધાને જાનથી મારી નાખીશ આ હુમલામાં પરિણીતાના પતિ કાનાભાઈ અને તેના સાસુ ભાનુબેનને ઈજા પહોંચી હોય બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ અંગે પરિણીતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version