Site icon Gujarat Mirror

છેતરપિંડી કેસમાં દેવાયત ખવડને સાણંદ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે કાનૂની મોરચે સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં એક જાહેર કાર્યક્રમ બાબતે થયેલા વિવાદમાં સાણંદ કોર્ટે દેવાયત ખવડને નિર્દોષ જાહેર કરી કેસમાંથી મુક્ત કર્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી આ કાનૂની લડતનો આખરે બંને પક્ષો વચ્ચેના સમાધાન સાથે અંત આવ્યો છે. આ વિવાદની વિગત એવી હતી કે, ચાંગોદર વિસ્તારમાં એક લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપ મુજબ, દેવાયત ખવડે આ પ્રોગ્રામમાં હાજરી આપવા માટે એડવાન્સ રકમ (બુકિંગ પેમેન્ટ) લીધી હતી. જોકે, નિર્ધારિત સમયે તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. આ બાબતે આયોજકોએ પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનો આક્ષેપ કરી ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ચાંગોદર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ સાણંદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ છેલ્લા ઘણા સમયથી ન્યાયિક પ્રક્રિયા હેઠળ હતો. કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોએ પરિપક્વતા દાખવી પરસ્પર સમજૂતી અને સમાધાનની તૈયારી દર્શાવી હતી. સાણંદ કોર્ટે બંને પક્ષોની રજૂઆતો અને સમાધાનની શરતોને ધ્યાને રાખીને દેવાયત ખવડને આ કેસમાંથી સન્માનપૂર્વક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

Exit mobile version