Site icon Gujarat Mirror

ધો.11-12માં શિક્ષક બનવા માટેની TAT-HS ના ફોર્મની મુદતમાં વધારો

અમદાવાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ-એચએસ પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ ચૂકી છે. અત્યાર સુધીમાં 1.14 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. અનેક ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ફી ભરીને ફોર્મ સબમીટ ન કર્યા હોવાના કારણે હવે ફોર્મ ભરવાની મુદત 25મી ફેબ્રુઆરી સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.ધો.11-12માં શિક્ષક બનવા માટે અભિયોગ્યતા કસોટી (TAT-HS) લેવામાં આવે છે.

આગામી દિવસોમાં લેવાનારી આ પરીક્ષા માટે છેલ્લા કેટલાય સમયથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 20મી ફેબ્રુઆરીના રોજ આજે મુદત પુરી થવાની જાહેરાત કરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે, અત્યાર સુધીમાં 1.14 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. મહત્વની વાત એ કે, 30 હજાર જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓએ ફોર્મ ભર્યા છે પરંતુ નિયમ પ્રમાણે ફોર્મ ભરીને સબમીટ કરાવીને ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી.
આમ, આ વિદ્યાર્થીઓ કયા કારણોસર ફોર્મ સબમીટ કરાવી શક્યા નથી તેની મુંઝવણ ઊભી થઇ છે.

આ સ્થિતિમાં હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની મુદત પાંચ દિવસ લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે હવે ઉમેદવારો આગામી 25મી ફેબ્રુઆરી સુધી ફોર્મ જમા કરાવી શકશે. અગાઉ વર્ષ 2023 ઓગસ્ટમાં લેવામાં આવેલી પરીક્ષામાં રાજ્યભરમાંથી 1.15 લાખ ઉમેદવારો નોંધાયા હતા. આમ, ચાલુ વર્ષે ઉમેદવારોનો આંકડો ઓછો નોંધાયો છે. સૂત્રો કહે છે કે, હાલના તબક્કામાં 30 હજાર ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પણ ફી ભરીને ફોર્મ સબમીટ કરી શક્યા ન હોવાથી કોઇ મુશ્કેલી હશે તેમ માનીને મુદત લંબાવવામાં આવી છે.

Exit mobile version