મહુવાના બાંભણિયામાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો

  સમગ્ર ગામમાં ભયનો માહોલ, બાળક વાડીમાં લોહીલુહાણ હાલતમાં મૃત મળ્યો   ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામે દીપડાના હુમલાની વધુ એક જીવલેણ ઘટના સામે…

 

સમગ્ર ગામમાં ભયનો માહોલ, બાળક વાડીમાં લોહીલુહાણ હાલતમાં મૃત મળ્યો

 

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામે દીપડાના હુમલાની વધુ એક જીવલેણ ઘટના સામે આવી છે. ગામના 10 વર્ષના નિત્ય ગોડલીયા નામના બાળક પર દીપડાએ અચાનક હુમલો કરી તેને ખેંચી જતાં તેનું કરુણ મોત થયું છે. ઘટનાના પગલે સમગ્ર ગામમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોમાં દીપડાના સતત વધતા હુમલાઓને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ, નિત્ય ગોડલીયા ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી વાડી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન બાંભણિયા વિસ્તાર પાસે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ દીપડો બાળકને ખેંચીને જંગલ તરફ લઈ ગયો હતો. બાળક લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા અને તેની શોધખોળ શરૂૂ કરી હતી.

પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક સમગ્ર ગામ તેમજ આસપાસના જંગલ અને વાડી વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પર હાજર ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે.
મૃતક બાળકના પિતા પ્રકાશ ગોડલીયાએ જણાવ્યું કે, “હું ઘરે આવ્યો ત્યારે મારો છોકરો દેખાતો ન હતો. ત્યારબાદ આખા ગામમાં તેની તપાસ કરી હતી. પછી અમે જંગલ અને વાડીઓ તરફ શોધખોળ કરવા ગયા હતા. ત્યાંથી મારો છોકરો મળ્યો હતો.” પિતાના આ શબ્દોએ સમગ્ર ઘટનાની કરુણતા વધુ સ્પષ્ટ કરી છે.

આ સમગ્ર બનાવ અંગે મહુવાના RFO બી. જી. ગઢવીએ જણાવ્યું કે, મૃતકના પિતા પ્રકાશભાઈના જણાવ્યા અનુસાર તેમનો 10 વર્ષનો પુત્ર સ્કૂલેથી વાડી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન બાંભણિયા વિસ્તારમાં દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. RFO બી. જી. ગઢવીએ વધુમાં જણાવ્યું કે, હુમલો કરનાર દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા જરૂૂરી કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમ વિસ્તારનું સતત નિરીક્ષણ કરી રહી છે અને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને ખાસ કરીને બાળકોને એકલા બહાર ન મોકલવાની અપીલ પણ કરવામાં આવી છે.