રાજકોટ પાસે ટ્રક અડફેટે કાર સવાર આરોગ્ય કર્મીનું મોત: મિત્રને ઈજા

  કોડીનારમાં રહેતાં અને માળીયાહાટીનામાં આરોગ્યકર્મી તરીકે ફરજ બજાવતાં આધેડ પુત્ર અને મિત્ર સાથે ગાંધીનગરથી પરત ફરી રહ્યા હતાં ત્યારે રાજકોટ પાસે ટ્રક ચાલકે કારને…

 

કોડીનારમાં રહેતાં અને માળીયાહાટીનામાં આરોગ્યકર્મી તરીકે ફરજ બજાવતાં આધેડ પુત્ર અને મિત્ર સાથે ગાંધીનગરથી પરત ફરી રહ્યા હતાં ત્યારે રાજકોટ પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં આરોગ્યકર્મીનું મોત નિપજ્યું હતું. જ્યારે વૃધ્ધ મિત્રને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોડીનારમાં રહેતાં લલિતકુમાર બાલકદાસ ટિલાવત (ઉ.54) અને જૂનાગઢ રહેતાં તેના મિત્ર વિકાસભાઈ લાલસંગભાઈ જોષી (ઉ.65) રાત્રીનાં સાડા બારેક વાગ્યાના અરસામાં દેવાંગ લલિતકુમાર ટિલાવતની કારમાં બેસી ગાંધીનગરથી પરત ફરી રહ્યા હતાં ત્યારે રાજકોટ નજીક કુવાડવા હાઈ-વે પર અજાણ્યા ટ્રક ચાલકે કારને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લલિતકુમાર ટીલાવત અને તેમના મિત્ર વિકાસભાઈ જોષીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં લલિતકુમાર ટિલાવતનું મોત નિપજ્યું હતું.

પ્રાથમિક પુછપરછમાં મૃતક લલિતકુમાર ટિલાવત પાંચ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. લલિતકુમાર ટિલાવત માળીયાહાટીનાના અવાણીયા ગામે આરોગ્યકર્મી તરીકે ફરજ બજાવતાં હતાં. પુત્ર અને મિત્ર સાથે કામ સબબ ગાંધીનગર ગયા બાદ પરત ફરતાં હતાં ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.