ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા ’નાસતા ફરતા આરોપીઓ’ને પકડવાની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જેતપુર શહેરમાં 27 વર્ષ પહેલા થયેલ સનસનાટીભર્યા લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપી વિરેન્દ્ર ઉર્ફે મહેન્દ્ર હીરાલાલ પટેલને હરિયાણાથી પકડી પાડવામાં આવ્યો છે.તેમજ મોરબીના દુષ્કર્મ કેસમાં વોન્ટેડ ઇનામી આરોપીને ઉતર પ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો હતો.
ઘટનાની મળતી વિગતો મુજબ, વર્ષ 1999માં જેતપુરના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે વજુભાઈ સાકરીયાના ‘ગણેશ સિમેન્ટ પ્રોડક્શન’ નામના કારખાનામાં આ આરોપી અને તેના સાથીદાર કામ કરતા હતા. તારીખ 27/10/1999ની રાત્રે, આરોપી વિરેન્દ્ર અને તેના મિત્ર મીતલેશ ઉર્ફે ઉત્તમકુમાર પટેલે ત્યાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા દેવજીભાઈ હરજીભાઈ ધંધુકીયાના હાથ-પગ દોરીથી બાંધી દીધા હતા.
ત્યારબાદ પથ્થર જેવા બોથડ પદાર્થ વડે તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, કારખાનામાંથી રોકડ રકમ અને મોટરસાયકલની લૂંટ ચલાવી બંને ફરાર થઈ ગયા હતા. આરોપી છેલ્લા 27 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા માટે સતત નામ બદલીને અલગ-અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂૂ અને તેમની ટીમને બાતમી મળી હતી કે આરોપી ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના મુકુંદપુર ગામનો વતની છે. ઉત્તરપ્રદેશમાં તપાસ કરતા તે ત્યાં મળ્યો નહોતો, પરંતુ વધુ તપાસમાં જાણવા મળ્યું કે તે હરિયાણાના રોહતક જિલ્લામાં છુપાયેલો છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે હરિયાણા પહોંચી તેને રોહતકથી ઝડપી પાડ્યો હતો.
જયારે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ, બળાત્કાર અને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપી સંદીપ ગોકરણ પાસવાનને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઉત્તર પ્રદેશના બલરામપુરથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો અને તેના પર રૂૂ. 5,000નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપી મોરબીમાં મજૂરી કામ કરતો હતો, જ્યાં તેને એક સગીરા સાથે પ્રેમ સંબંધ થતા તેનું અપહરણ કરી વતનમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટ એલસીબીની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીના વતનમાં દરોડો પાડી તેને ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા, પીએસઆઈ આર.વી.ભીમાણી , એચ.સી.ગોહીલ , કે.એમ.ચાવડા , પી.એન.ભરવાડ , એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી, મનીષભાઈ વરૂૂ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, મનદીપસિંહ જાડેજા, રમણીકભાઈ મણવર, અર્જુનભાઈ ડવેરા, મહેન્દ્રસિંહ સોલંકી, રસીકભાઈ જમોડ , ભાવેશભાઈ મકવાણા, ભરતભાઈ ગમારા, વીજયભાઈ સિંહાર, શક્તિસિંહ ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

