ઉપલેટામાં ખેડૂતની જમીન ઉપર કબજો કરી ધમકી આપનાર પિતા અને બે પુત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાયદેસરની ખરીદ કરેલી મિલકત પર ગેરકાયદેસર કબજો જમાવીને તેને ખાલી ન કરવા બાબતે અને મિલકત માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ વિમલભાઈ મેણશીભાઈ ડેરે નોંધાવેલી વિગત મુજબ, તેમણે ઉપલેટા સીટી સર્વે નંબર 4987, શીટ નંબર 60 વાળી મિલકત તા.19/04/2025 ના રોજ કાયદેસર રીતે વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી. અગાઉના ભાડુઆત જુનેદ યાકુબભાઈ નાથાણીએ પોતાની રાજીખુશીથી 180 ચોરસ મીટર વાળી આ જગ્યા ખાલી કરી આપી હતી.
જ્યારે વિમલભાઈ તા.20/04/2025 ના રોજ પોતાની મિલકતનો કબ્જો લેવા ગયા, ત્યારે સ્થળ પર હાજર સલીમ ઓસમાણભાઇ હિંગોરા, શાહનવાઝ સલીમભાઈ હિંગોરા અને સોયબ સલીમભાઇ હિંગોરા નામના ઈસમોએ આ જગ્યા પર “કિંગ સર્વિસ સ્ટેશન” શરૂૂ કરી દીધું હતું. દસ્તાવેજો બતાવવા છતાં આ શખસોએ “આ સર્વિસ સ્ટેશન હવે અમારું છે અને કબજો ખાલી નહીં થાય” કહીને ફરિયાદીને ધમકાવ્યા હતા.
આ માથાભારે શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદીએ અગાઉ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. સામાવાળા ઈસમોએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને કાર્યવાહી સ્થગિત કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિવિલ કોર્ટ દ્વારા તા.07/05/2026 ના રોજ સામાવાળાનો દાવો રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધવા હુકમ કર્યો હતો.
ઉપલેટા પોલીસ સ્ટેશનમાં સલીમ ઓસમાણભાઇ હિંગોરા, શાહનવાઝ સલીમભાઈ હિંગોરા અને સોયબ સલીમભાઇ હિંગોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે આગળની તપાસ એએસપી સિમરન ભારદ્વાજ ચલાવી રહ્યા છે.
