રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર ધોરાજી પાસે ભુતવડ ગામના પાટીયા પાસે આવેલા ભક્તિ પેટ્રોલ પંપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી ચોરી કરનાર રાજકોટની ટોળકીને ઝડપી લઇ ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી રૂૂ. 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી વિગતો અનુસાર, ઉપલેટાની રઘુવંશી સોસાયટીમાં રહેતા 32 વર્ષીય કરણભાઈ સવજીભાઈ રાઠોડ ભક્તિ ફ્યુલ પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. ગત તા. 18/09/2026 ની રાત્રે તેઓ પોતાની ફરજ પર હતા અને ગ્રાહકોના વાહનોમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી ભરીને આવેલી કુલ રોકડ રકમ રૂૂ.28,060 પંપ પર રહેલા ટેબલના ખાનામાં મૂકી હતી.
ત્યારબાદ તેઓ ઓશીકા પાસે રાખીને પંપ બહાર સુઈ ગયા હતા. રાત્રીના આશરે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ત્રાટક્યો હતો. તસ્કરે ચાલાકીપૂર્વક ટેબલના ખાનામાં રાખેલી રૂૂ.28,060ની રોકડ રકમ અને ઓશીકા પાસે પડેલો મોબાઈલ ફોન મળી કુલ રૂૂ.38,060ના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હોય આ મામલે ગ્રામ્ય એલસીબીએ સીસીટીવીના આધારે તપાસ કરી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ રિક્ષા નંબર જીજે-03-સીટી-5864 અંગે તપાસ કરી રાજકોટના કોઠારીયા મેઈન રોડ રહેતા પ્રતીક ઉર્ફે પતીયો પરસોતમભાઈ સાકરીયા, રજાક ઉર્ફે કાળીયો ઈસાભાઈ મુસાણી, લાપાસી રોડ ઉપર રહેતા ભાવેશ ઉર્ફે દોણીયો ભુપતભાઈ મકવાણા અને દીપક દલાભાઈ સોલંકીની ધરપકડ કરી આરોપીઓ પાસેથી રૂૂ. 25,000 ની રોકડ રકમ 2 મોબાઈલ ફોન તથા ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા મળી કુલ રૂૂ. 1,27,000/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી પ્રતીક ઉર્ફે પતીયો સામે આજીડેમ અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ચોરી, પ્રોહિબિશન અને મારપીટ જેવા 8 થી વધુ ગુના નોંધાયેલા છે. જ્યારે રજાક સામે મોરબીમાં દુષ્કર્મ અને રાજકોટમાં દારૂૂનો ગુનો, ભાવેશ સામે 2 ગુના અને દીપક સામે 1 ગુનો અગાઉ નોંધાઈ ચૂક્યો છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તેમજ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલસીબીના પી.આઈ જે.પી. રાવ, પીએસઆઈ આર.વી. ભીમાણી, કે.એમ. ચાવડા, એચ.સી. ગોહીલ, પી.એન. ભરવાડ સહીત એલસીબીના સ્ટાફે કામગીરી કરી હતી.
