Site icon Gujarat Mirror

દ્વારકામાં હથિયાર વડે આખલાની હત્યા : ગૌપ્રેમીઓમાં રોષ, પોલીસમાં ગુનો નોંધાયો

ગૌશાળાના સંચાલકોએ સારવાર કરાવી પરંતુ જીવ ન બચ્યો, અજાણ્યા શખ્સની શોધખોળ

દ્વારકા નજીક કોઈ શખ્સ દ્વારા એક આખલાની તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરાયાનો બનાવ સામે આવ્યો છે. જે અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર આવેલી હોટલ હોથ્રોન પાસેના એક ખુલ્લા માર્ગ પર એક નંદી મહારાજ (આખલો) લોહી લુહાણ હાલતમાં પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ગૌ સેવકોને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને દ્વારકામાં મુરલીધર ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને ગૌમાતા તેમજ નંદી મહારાજની નિયમિત રીતે સેવા કરતી એક ગૌશાળામાં સેવા આપતા ધવલભાઈ હરીશભાઈ દાવડા નામના 30 વર્ષના યુવાન અન્ય યુવાનો સાથે આ સ્થળે દોડી ગયા હતા.
અહીં તેઓએ ખુલ્લી જગ્યામાં પડેલા અને લોહી લુહાણ હાલતમાં રહેલા એક નદી મહારાજ (આખલા)ને જોતા તેઓએ પશુ ચિકિત્સક જયેશભાઈ જાદવને જાણ કરતા તેઓ એમ્બ્યુલન્સ સાથે આ સ્થળે દોડી ગયા હતા. આ નંદી લોહી લુહાણ અને તરફડતી હાલતમાં ગૌ સેવક હાર્દિકભાઈ, ધવલભાઈ, વિગેરેએ સાથે મળીને નંદીના પેટમાંથી ભાલુ બહાર કાઢીને અહીં પ્રાથમિક સારવાર આપીને એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની સુરભી માધવ ગૌસેવા ધામમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં નંદી મહારાજનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.આ નંદીને કોઈ નરાધમ શખ્સએ ભાલા જેવા તીક્ષ્ણ હથિયાર વડે પેટના જમણી બાજુમાં ઘા ફટકારતા આ નદી મહારાજનું કરુણ મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ધવલભાઈ દાવડાની ફરિયાદ પરથી હત્યા નીપજાવનારા અજાણ્યા શખ્સ સામે દ્વારકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદા તળે ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.આ સમગ્ર બનાવથી ગૌ પ્રેમીઓમાં શોક સાથે હત્યારા સામે રોષની લાગણી પ્રસરી છે.

Exit mobile version