Site icon Gujarat Mirror

ભારતની શાનદાર જીતનો જામનગરવાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજી

હવાઈ ચોક, ચાંદી બજાર, રણજીત નગર સહિતના વિસ્તારોમાં લોકો હાથમાં તિરંગા ઝંડા સાથે જીતનો જશ્ન મનાવવા ઉતરી પડ્યા

અમદાવાદમાં રમાયેલી ટી. ટવેન્ટી વર્લ્ડ કપ ની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચમાં ગઈકાલે રાત્રે ભારતે શાનદાર જીત મેળવી લઇ વર્લ્ડ કપ સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત પોતાના નામે કરી લીધો હતો, જેના જીતનો ભવ્ય જશ્ન જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે જોવા મળ્યો હતો, અને શહેરમાં ઠેર ઠેર આતશબાજી થઈ હતી, અને જાણે કે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં યુવા ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગા લઈને નીકળી પડ્યા હતા, અને ઢોલ નગારા સાથે શાનદાર જીતની ઉજવણી કરી હતી. તેમજ કેટલાક યુવાનો પોતાના હાથમાં તિરંગા ઝંડા લઈને બાઇક પર ’ભારત માતાકી જય’ ના નારા સાથે પણ શહેરમાં ઘુમી વળ્યા હતા, અને ભારે ક્રિકેટ ફીવર સર્જાયો હતો.

ખાસ કરીને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં સવિશેષ ઉજવણી જોવા મળી હતી, અને હજારો ક્રિકેટ પ્રેમીઓ મોડી રાત્રે સુધી એકત્ર થયેલા અને ઢોલ નગારા ના તાલે ’ભારત માતા કી જય’ ના નારા સાથે ઝૂમી ઉઠેલા જોવા મળ્યા હતા.

ભારતની ટી. ટ્વેન્ટી વર્લ્ડ કપ માં ફાઇનલ મેચમાં જીત બાદ, અને વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ રાત્રીના 11.30 વાગ્યા પછી જામનગર શહેરમાં અનેક ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગો ઝંડો લઈને બાઈક પર નીકળી પડ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

Exit mobile version