મહારાષ્ટ્રમાંથી રેલવે પાર્સલ મારફતે પ્રતિબંધિત દવા જામનગર પહોંચાડાતી હતી, ત્યાંથી સલાયા લઇ જઇ જહાજ મારફતે દુબઇ-યમન મોકલી દેવાતી હતી, 81 લાખની કિંમતની 9.50 લાખ કેપ્સ્યુલ ઝડપતી દ્વારકા એસઓજી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.ઓ.જી. વિભાગની ટીમે ખંભાળિયા તાલુકાના સલાયા મરીન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટો ગેરકાયદેસર દવા જથ્થો કબ્જે કર્યો છે. જામનગરથી સલાયા તરફ જતા ટાટા એસ વાહનને રોકીને તપાસ કરતાં તેમાંથી પુનેથી મંગાવેલી વિવિધ જેનેરિક દવાઓના 121 બોક્સમાં કુલ 9,50,490 કેપ્સ્યુલ્સ (બજાર કિંમત ₹80,77,861) મળી આવી. બિલમાં દર્શાવેલ જથ્થા કરતાં વધુ માલસામાન હોવાની વિસંગતતા જોવા મળી.પ્રાથમિક તપાસમાં આ દવાઓ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત હોવાનું જાણવા મળ્યું છે. આ જથ્થો વિદેશોમાં ગેરકાયદેસર રીતે નિકાસ કરવાના સંગઠિત રેકેટનો ભાગ હોવાની શંકા છે. આરોપીઓ અબ્દુલમોઈન શેખ (મુંબઈ), ઇકબાલ ભાયા (સલાયા/દુબઈ), હારીત (યમન), મહંમદ અઝરૂૂદ્દીન (પુને) અને રાજદેવસિંહ સોઢા (ખંભાળિયા) સહિત અન્યો સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે દવાઓનો જથ્થો એક ટાટા એસ વાહનમાં જામનગર તરફથી મોટા માંઢા ગામ થઈને સલાયા જતા રોડ રસ્તેથી સલાયા ખાતે આવનાર હોવાની માહિતી પરથી ટાટા એસ વાહન આવતા તેને રોકી અને વાહન ચાલક વિપુલસિંહ બળવંતસિંહ વાઢેર (રહે. જામનગર) દ્વારા વાહનના પાછળના ભાગમાં જોતા ખાખી કલરના પુંઠાના બોક્સ લઈ જવામાં આવતા હતા.
જેની ચકાસણી કરતા તેમાં મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો જોવામાં મળ્યો હતો. જેની પુછપરછ કરતા આ ચાલક માલ વાહક ગાડી મારફતે સામાનની હેરાફેરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય અને સલાયા ખાતે રહેતા ઇકબાલ ભાયા નામના વ્યક્તિએ તેનો સંપર્ક કરી આ દવાનો જથ્થો જામનગર રેલ્વે પાર્સલ ઓફીસથી મેળવી લઇ, સલાયા ખાતે પહોંચાડવા માટે નીકળ્યો હતો અને પછી સલાયા ખાતે આ પાર્સલ કઇ વ્યક્તિને પહોંચાડવાનું છે તે બાદમાં ફોન મારફતે જણાવીશ તેમ કહેતા આ વાહનમાં દવાના તમામ બોક્સ ભરીને સલાયા આવ્યો હતો અને ઇકબાલનો ફોન આવે તે પહેલા પોલીસે આ ગાડી રોકી હોવાનું જણાવ્યું હતું.
જેથી હાજર વાહન ચાલક પાસે મળી આવેલ દવાના જથ્થા અંગેનું બીલ-આધાર પુરાવાઓ હોય તો રજુ કરવા જણાવતા તેને દવાઓનું બીલ રજુ કરતા, જે જોતા તેમા અલગ અલગ મિલીગ્રામની ચોક્કસ નામની મહારાષ્ટ્ર (પુના) ની બનાવટની દવા હતી. જેમાં બેચ નંબર, એક્સપાયરી ડેઈટ, કિંમત વિગેરે વિગત પણ લખી હતી.
આ વાહનમાંથી દવાઓના કુલ રૂૂ. 14.70 લાખની કિંમતના 80 બોક્સ હોવાનું જણાવાયું હતું. પરંતુ ચેકિંગ કરતા પોલીસને મળી આવેલી દવાઓનો જથ્થો વેરીફાય કરતા કુલ 121 બોક્ષની અંદર કુલ 9,50,490 કેપ્સ્યુલ મળી આવી હતી. જેની બજાર કિંમત રૂૂ. 80,77,861 થતી હોય, બીલમાં દર્શાવેલી તથા વાસ્તવીક રીતે મળી આવેલા દવાઓના જથ્થામાં મોટા પ્રમાણમાં વિસંગતતા જોવા મળી હતી. જેથી ઉપરોક્ત વિગતેના મોટા પ્રમાણનો દવાઓનો જથ્થો શંકાસ્પદ જણાતા તેમજ આ દવાઓનો જથ્થો પુનાથી ખરીદી કરીને સલાયા ખાતે ગેરકાયદેસર મોકલવામાં આવ્યો હોવાનુ જણાતા મળી આવેલી શંકાસ્પદ દવાઓ જથ્થો ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો છે.
આ અંગે ઉંડાણપુર્વકની તપાસ કરતા કબ્જે કરવામાં આવેલ ઉપરોક્ત કેપ્સ્યુલને ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક હેઠળના ભારત સરકાર દ્વારા પ્રતિબંધીત જાહેર કરવામાં આવી હોય તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું અને આ જથ્થો ગેરકાયદેસર રીતે વિદેશોમાં સપ્લાય કરવાનું સંગઠિત રેકેટ કાર્યરત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.
આ પ્રકરણમાં પોલીસે જુદી જુદી કંપનીની રૂૂ. 80,77,861 ની કિંમતની 950 490 કેપ્સ્યુલના 121 બોક્સ કબજે કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ.વાળા, સજુભા જાડેજા, હરદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવિરસિંહ ગોહીલ, વિજયસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા, સ્વરૂૂપસિંહ જાડેજા, સુમાતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
દુબઇ-યમનમાં બેઠેલા લોકોની સંડોવણી ખુલી
આ સમગ્ર પ્રકરણના તાર મહારાષ્ટ્ર અને વિદેશમાં યમન-દુબઇ સુી પહોંચ્યા છે. એસઓજી દ્વારા અબ્દુલમોઈન અબ્દુલ રહેમાન મહંમદ ઇશાક શેખ, (રહે. મુંબઇ), ઇકબાલ કરીમ ભાયા, (રહે. સલાયા, હાલ દુબઇ), હારીત (રહે.યમન) મહંમદ અઝરૂૂદ્દીન ઇમાદુદ્દીન મોમીન, (રહે. પુના) અને રાજદેવસિંહ ભોજુભા સોઢા (રહે. જોધપુર ગેઈટ, જામ ખંભાળિયા) સહિતના તેમજ આગળનીતપાસમાં સંડોવાયેલા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટની કલમ હેઠળ ખંભાળિયા પોલીસ મથકમાં ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
