Site icon Gujarat Mirror

દ્વારકા જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્રની સઘન કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસે કડક હાથે કામગીરી કરી અને ફરાર ગુનેગારોને ઝડપી લેવા, ગંભીર ગુના સબબ પાસા કાર્યવાહી, દારૂૂ-જુગાર સહિતના મુદ્દે નોંધપાત્ર કામગીરી કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય તેમજ પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સીધી દેખરેખ હેઠળ જિલ્લામાં રહેલા 603 હથિયાર જમા લેવામાં આવ્યા છે. આ સાથે 122 શખ્સો સામેના પકડ વોરંટની બજવણી કરી અને 2257 જેટલા શખ્સો સામે અટકાયતી પગલા લેવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લામાં ગંભીર ગુના સાથે સંડોવાયેલા 10 શખ્સો વિરુદ્ધ પાસા કાર્યવાહી, 9 શખ્સો વિરુદ્ધ હદપારીની કામગીરી કરાઈ છે. ચૂંટણીને અનુલક્ષીને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં 15 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. તાજેતરમાં પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ એક કેસ તેમજ જિલ્લામાં દેશી-વિદેશી દારૂૂ અંગે કુલ 558 ગુનાઓ નોંધી અને દરોડા દરમ્યાન કુલ 8.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આમ, ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા તમામ દિશાઓમાં કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જે માટે એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા અવિરત રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

Exit mobile version