Site icon Gujarat Mirror

ગોંડલના વાસાવડ ગામે વેલ્ડિંગના તણખાથી ફટાકડાની દુકાનમાં ભીષણ આગ

ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં શાકમાર્કેટ પાસે આવેલ સરદાર સીઝન સ્ટોર નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેલ્ડિંગ કામ દરમિયાન ઉડેલા તણખાને કારણે લાગેલી આ આગમાં દુકાનનો મોટાભાગનો સામાન બળીને ખાક થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દુકાનમાં જ્યારે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે તેના તણખા નીચે રાખેલા ફટાકડાના જથ્થા પર પડ્યા હતા. ફટાકડાના કારણે આગે તુરંત વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. દુકાનમાં ફટાકડાની સાથે નીચે પ્લાસ્ટિકના રમકડાંનો મોટો જથ્થો, ઙટઈ મટીરિયલ અને અન્ય પ્લાસ્ટિકનો સામાન સળગી ઉઠ્યો હતો. આગ લાગતા જ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને ફટાકડા ફૂટવાના અવાજોથી વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. જોકે, દુકાન માલિક રફિકભાઈ સાકરીયા અને તેમના ભાઈ અસ્પાકભાઈએ જરા પણ સમય ગુમાવ્યા વગર ફાયર સેફ્ટીના બાટલાનો ઉપયોગ શરૂૂ કર્યો હતો.

આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો પણ વ્હારે આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. લોકોની સમયસૂચકતાને કારણે આગ આજુબાજુની દુકાનો સુધી પહોંચી ન હતી, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ દુકાનમાં રહેલી માલ-મિલકતને વ્યાપક નુકસાન થયું છે. આગને કારણે આસપાસની બજારો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી. હાલ નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી, પરંતુ વેપારીને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Exit mobile version