ગુજરાત
બાંધકામની વધારાની એફએસઆઈ ખરીદીમાં હપ્તા સિસ્ટમ બંધ
ચાર્જેબલ એફએસઆઈની 25 લાખ સુધીની રકમ એકસાથે ભરવી પડશે, ચેક બાઉન્સ થાય તો 18 ટકા પેનલ્ટી, અમલવારી માટે મ્યુનિ.કમિશનરને તમામ સત્તા
મહાનગરપાલિકામાં કમિશનર તરીકે ડી.પી. દેસાઈની નિમણુંક થયા બાદ મોટાભાગના વિભાગોમાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ટાઉનપ્લાનીંગ વિભાગમાં અધિકારીઓ-કર્મચારીઓની બદલી કરી હવે નિયમોમાં સુધારા-વધારા કરવાનો પ્રારંભ કરાયો છે. જેમાં બિલ્ડર લોબીને વર્ષોથી લાભ આપવામાં આવતો હતો તેમાં હવે કાપ મુકી નવી નિતી મુજબ કામગીરી કરી મનપાને વધુમાં વધુ આર્થિક રાહત મળે તેવા પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં કોર્પોરેશનની હદમાં નવા બાંધકામોને મંજૂરી માટે વસુલવામાં આવતી બેઝ એફએસઆઇ ઉપર વધારાની એફએસઆઇના ચાર્જના હપ્તા વસુલવા અને વ્યાજ વસુલવાની નીતિ સૌપ્રથમ વખત આવી રહી છે. અત્યાર સુધી ટીપી શાખા બિલ્ડરોને તેમની અનુકુળતા અને નઅંગત પ્રેમથ મુજબ હપ્તા કરી આપતી હતી તો અન્ય મહાનગરોની જેમ વ્યાજ વસુલવામાં આવતું ન હતું. જે પ્રથમ વખત નિયમમાં સામેલ થશે. અમદાવાદ અને સુરત કોર્પોરેશન પાસે અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા. જેના પરથી રાજકોટમાં પણ નિયમ અમલી બનાવવા કમિશ્ર્નરે સ્ટે. કમીટીમાં દરખાસ્ત મોકલી છે.
રાજકોટની બિલ્ડર લોબીને લાગુ પડે તેવી આ નવી નીતિ અંગેની વિગત એવી છે કે બેઝ એફએસઆઇ ઉપર વધારાના બાંધકામ માટે વધારાની એફએસઆઇ નિયમ મુજબ કોર્પો. પાસેથી ડેવલપર ખરીદી શકે છે અને તેના વિસ્તારવાઇઝ જંત્રીદરના આધારે ચાર્જ નકકી થયેલા છે. આ વધારાની એફએસઆઇની રકમ અને ટીપી સ્કીમ અંતર્ગત ઇન્ક્રીમેન્ટલ ચાર્જીસની રકમ વસુલવા પ્રથમ વખત નીતિ બનશે. કોર્પો.ના ત્રણેય ઝોનની ટીપી એન્ડ ડેવલપમેન્ટ શાખા, મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ દ્વારા નવા બાંધકામોને મંજૂરી આપવામાં આવે છે. મર્કેન્ટાઇલ, એજયુકેશનલ, એસેમ્બલી, ઇન્સ્ટીટયુશ્નલ, હોસ્પિટાલીટી, ઔદ્યોગિક, ધાર્મિક, ટ્રાન્સપોર્ટ, પબ્લીક યુટીલીટી, ટુરીઝમ, હેલ્થ, ડેવેલીંગ યુનિટ જેવા બાંધકામોનો સમાવેશ થાય છે.
આ બાંધકામોને મંજૂરી આપવા જીડીસીઆર મુજબ એફએસઆઇના ધોરણો નકકી કરવામાં આવ્યા છે. અલગ અલગ કેેટેગરીમાં બેઝ એફએસઆઇ 0.15થી 2.25 રહેલી છે. તે બાદ ચાર્જેબલ એફએસઆઇ 0.30થી 0.90 છે. મહતમ પરમીસેબલ એફએસઆઇ 0.15થી 4.00 સુધી રહેલી છે. તેના પર નિયત ચાર્જ વસુલવામાં આવે છે. અમુક કિસ્સામાં આવી રકમ ખુબ જ મોટી હોવાથી જમીન માલિકો દ્વારા હપ્તા કરી આપવા રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ હાલ આ જાતનો કોઈ નિયમ ન હોય અન્ય મહાપાલિકાઓ પાસેથી વિગત માંગવામાં આવી છે.
કમિશનર દ્વારા કરવામાં આવેલ દરખાસ્ત મુજબ રપ લાખ સુધીની રકમમાં કોઇ હપ્તો કરી આપવામાં નહીં આવે, સત્તાધીકારીની મંજૂરી મળ્યે ભરપાઇ કરવા પાત્ર રકમના રપ ટકા કર્યા બાદ જ બાકીની 7પ ટકા રકમના મહત્તમ એક વર્ષમાં વધુમાં વધુ ચાર હપ્તા કરી અપાશે. વધુ મુદ્દત માટે ના.કમિશ્ર્નર તથા કમિશ્ર્નરની મંજૂરી જોઇશે અને બે વર્ષથી વધુ મુદ્દત નહીં મળે. આ ઉપરાંત બેંક નિયમો મુજબ મીનીમમ 6.પ ટકા અને બે ટકા વહીવટી ચાર્જ મળી 8.50 ટકા વ્યાજ પણ બિલ્ડરે ભરવાનું થશે. ચેક બાઉન્સ થાય તો 18 ટકા પેનલ્ટી લાગશે અને ડેવલપરે ડયુ ડેટના ચેક એડવાન્સમાં જમા કરાવવાના રહેશે. તમામ હપ્તા આવ્યા બાદ જ બીયુપી આપી શકાશે. આ દરખાસ્ત મંજૂર થાય એટલે જનરલ બોર્ડમાં મોકલાશે અને કમિશ્ર્નરને નવી નીતિના અમલ માટે અધિકૃત કરવામાં આવશે. અને રાજકોટ શહેરમાં પ્રથમ વખત એફએસઆઈના જૂના નિયમ રદ કરી નવા નિયમોની અમલવારી શરૂ કરવામાં આવશે.
ભ્રષ્ટાચારને લાગશે બ્રેક
બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરતી વખતે બેઈઝ એફએસઆઈને બાદ કરતા વધારાની એફએસઆઈની ખરીદી મનપા પાસેથી કરવામાં આવતી હોય છે. જેનો ચાર્જ અગાઉ નક્કી કરવામાં આવે છે. પરંતુ ટીપી વિભાગ દ્વારા વાંધા વચકાઓ કાઢી વધારાની એફએસઆઈ મુદ્દે બિલ્ડરોને ધક્કાખવડાવી તેમની પાસેથી ખાસ લાભ લેવામાં આવતો હતો. તેમજ હપ્તા માટે પણ અમુક રકમની માંગણી કરાતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. આથી હવે નવા નિયમ મુજબ હપ્તા સિસ્ટમ બંધ કરવામાં આવી છે. અને સંપૂર્ણસત્તા કમિશનર પાસે રહેવાની હોય એફએસઆઈ ખરીદીમાં થતાં ભ્રષ્ટાચારને હવે બ્રેક લાગશે તેમ લાગી રહ્યું છે.