સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

દિવાળીના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના મફતીયા પરા વિસ્તારમાં રહેતા હાર્દિક ભરતભાઈ સાંતલપરા નામના યુવકની જૂના મનદુ:ખનું સમાધાન કરવાના બહાને…

દિવાળીના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના મફતીયા પરા વિસ્તારમાં રહેતા હાર્દિક ભરતભાઈ સાંતલપરા નામના યુવકની જૂના મનદુ:ખનું સમાધાન કરવાના બહાને બોલાવીને મોડી રાત્રે અસમાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.

મૃતકના બહેન રાધિકા સાંતલપરાના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 થી 15 દિવસથી જૂના ઝઘડા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે સમાધાન માટે વાતચીત નક્કી થતાં હાર્દિક ટી.બી. હોસ્પિટલ પાછળ આવેલા રામાપીરના મંદિર પાસે ગયો હતો. ત્યાં આરોપીઓ સાથે વાતચીત થઈ, ચા-પાણી પીધા અને હાથ મિલાવી સમાધાન પણ થઈ ગયું હતું. ત્યાર બાદ હાર્દિક ત્યાંથી નીકળતો હતો ત્યારે પાછળથી તેને ફરી બોલાવવામાં આવ્યો હતો અને અચાનક છરીના ઘા ઝીંકી દેવાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા હાર્દિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે આરોપીઓ બનાવ સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાકાંડમાં પરિવારજનોએ પાંચ શખસ સામે સીધો આરોપ લગાવ્યો છે. મૃતકના પિતા ભરત નાથાભાઈ સાંતલપરા અને બહેનના જણાવ્યા મુજબ, હુમલો કરનારાઓમાં રવિ, રણજીત, સચિન, ભાણો અને બુધીયો (બોડીયો) સામેલ હતા. બનાવની જાણ થતાં જ એ-ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરેન્દ્રનગરની ગાંધી સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.

બીજી તરફ, સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયેલા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.