ખંભાળિયા પંથકમાં ફ્રીમાં પાનકાર્ડ બનાવવાની લાલચે નવ લોકોના ડમી ખાતા ખોલાવનાર બે ઝડપાયા

ખંભાળિયા પંથકના વિના મૂલ્યે પાનકાર્ડ બનાવવાનો વિશ્વાસ આપી કુલ 9 વ્યક્તિઓના દસ્તાવેજો મેળવીને તેના ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી રૂૂ. 36 લાખના નાણાકીય વ્યવહારો કરવાના ગુનામાં…

ખંભાળિયા પંથકના વિના મૂલ્યે પાનકાર્ડ બનાવવાનો વિશ્વાસ આપી કુલ 9 વ્યક્તિઓના દસ્તાવેજો મેળવીને તેના ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી રૂૂ. 36 લાખના નાણાકીય વ્યવહારો કરવાના ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ખંભાળિયા અને કેશોદ તાલુકાના બે શખ્સોને દબોચી લીધા હતા. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા એક આસામી તથા અન્ય આઠ વ્યક્તિઓના ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે ફાઇલ તૈયાર કરાવતા રાજકોટની એક બેંકની શાખામાં પોતાના નામે બેન્ક એકાઉન્ટ હોવાની માહિતી મળતા આ બેંક એકાઉન્ટ અન્ય કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર વ્યવહાર કરવા માટે ખોટા દસ્તાવેજી પુરાવાઓ અને ખોટી સહીઓ કરીને ખોલાવ્યા હોવાનું જાણવા મળતા આ અંગેની અરજી દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગમાં કરવામાં આવી હતી. આ અરજીને લગતા તમામ દસ્તાવેજી પુરાવાઓને અહીંના એ.એસ.પી. પ્રખર કુમારના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ઋષિતસિંહ રાઠોડની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરી, સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બીએનએસ તેમજ આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ નોંધવામાં આવ્યો હતો.

આને અનુલક્ષીને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા રોડ અંગે આરોપીઓની ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણમાં ખોટા બેંક એકાઉન્ટ બનાવી અને તેમાં રૂૂ. 36 લાખના નાણાકીય વ્યવહારો કરીને ગુનો આચારવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. આ ગુનામાં પોલીસે ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના રહીશ અશોકપરી દયાલપરી ગોસ્વામી અને જુનાગઢ જિલ્લાના કેશોદ ગામના રહીશ ચેતનભારથી કેશુરભારથી ગોસાઈ નામના બે શખ્સોની અટકાયત કરી હતી. જેમાં આધાર પુરાવાઓ એકત્ર કરનાર અને ખોટા બેંક એકાઉન્ટ ખોલાવનાર આ બે મુખ્ય સૂત્રધાર આરોપીઓની અટકાયત કરી, પાંચ દિવસના પોલીસ રિમાન્ડની કાર્યવાહી કરાઈ હતી. ઉપરોક્ત બેંકના ખાતાઓમાં થયેલા નાણાકીય વ્યવહારો સંદર્ભે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ વિભાગના પી.આઈ. ઋષિતસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ હેભાભાઈ ચાવડા, ભરતભાઈ ચાવડા, સાજણભાઈ સુવા, ધરણાંતભાઈ બંધીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.