સુરેન્દ્રનગરમાં રહેતાં યુવકને ‘તું મારી પત્નીનો વિડિયો કેમ બનાવે છે ?’ તેમ કહી ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરમાં આવેલા રતનપર વિસ્તારમાં રહેતો પ્રવિણભાઈ બાબુભાઈ પરમાર નામનો 38 વર્ષનો યુવાન રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગરમાં આવેલા ભીમરાવ ચોકમાં હતો ત્યારે વિપુલ મહાવીર સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં રાત્રીના સમયે ભીમરાવ ચોકમાં ફટાકડા ફુટતાં હતાં ત્યારે પ્રવિણ પરમાર ત્યાં જોવા માટે ગયો હતો ત્યારે વિપુલ પ્રવિણ રાઠોડે ‘તું મારી પત્નીનો વિડિયો કેમ બનાવે છે ? તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં કોટડાસાંગાણીમાં રહેતાં વિપુલભાઈ હમીરભાઈ ઝાપડા (ઉ.41) ને નજીવા પ્રશ્ર્ને પત્ની રેખાબેન સાથે ઝઘડો થયો હતો જે અંગે પત્ની રેખાબેને પોલીસમાં અરજી દાખલ કરી હતી. જે અંગે લાગી આવતાં વિપુલ ઝાપડાએ જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

