શાપર વેરાવળમાં રહેતાં યુવકને પિતાએ ‘તારે બે દીકરી છે, તું દારૂ પીવાનું મુકી દે’ તેમ કહી ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રએ એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં રહેતાં રાહુલ રમેશભાઈ નકુમ નામનો 22 વર્ષનો યુવાન શાપરમાં આવેલા ભુમિ ગેઈટ પાસે હતો ત્યારે એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં રાહુલ નકુમ દારૂ પીવાની કુટેવ ધરાવતાં હોવાથી પિતાએ ‘તારે બે દીકરી છે, તું દારૂ પીવાનું મુકી દે’ તેવો ઠપકો આપતાં રાહુલ નકુમને માઠુ લાગતાં એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગામે રહેતાં દેવુભા ભીમાભા સુમણીયા (ઉ.33) 15 દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને મોજપ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તા પર આખલો ધસી આવતાં યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઈક સ્લીપ થતાં યુવકને ઈજા પહોંચી હતી. યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
