ગોંડલમાં મોટાદડવા ગામે વ્યાજખોરોનો આંતક વેપારીની પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસ

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે વ્યાજખોરોએ આતંક મચાવી પઠાણી ઉઘરાણી કરી વેપારીના ઘરમાં ઘુસી મહિલાની આબરૂૂ લેવાનો પ્રયાસ કરી હુમલો કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં…

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે વ્યાજખોરોએ આતંક મચાવી પઠાણી ઉઘરાણી કરી વેપારીના ઘરમાં ઘુસી મહિલાની આબરૂૂ લેવાનો પ્રયાસ કરી હુમલો કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાઇસન્સ વગર માસિક 5 ટકાના ઉંચા વ્યાજે નાણાં ધીરીને વ્યાજ સહિતની રકમ પરત મેળવી લીધા બાદ પણ વધુ 9 લાખ રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી મહિલાની છેડતી કરવા બદલ તથા દુકાનમાં તોડફોડ કરી માર મારવા બદલ આટકોટ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોટા દડવા ગામે રહેતા અને ’શિવશક્તિ કિરાણા’ નામની દુકાન ચલાવતા 63 વર્ષીય વેપારી પ્રતાપપરી શંભુપરી ગોસાઇએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે જીજ્ઞેશભાઇ વિનુભાઇ જાદવ, અજયભાઇ હરેશભાઇ પરમાર અને જીજ્ઞેશભાઇ મનસુખભાઇ પરમારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના નાના દીકરા નયનપરીએ અગાઉ ગામના જ જીજ્ઞેશભાઇ વિનુભાઇ જાદવ પાસેથી કોઇપણ જાતના નાણાધીરધારના લાઇસન્સ વગર રૂૂપિયા બે લાખ માસિક 5 ટકા લેખે વ્યાજે લીધા હતા. આ રકમ વ્યાજ સહિત કુલ રૂૂપિયા ત્રણ લાખ નયનપરીએ પરત ચૂકવી દીધી હતી. આમ છતાં, આરોપીઓ દ્વારા વધુ નવ લાખ રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી.

ગત તા 14 ના રોજ સવારે અગિયારેક વાગ્યે આરોપીઓ જીજ્ઞેશભાઇ વિનુ ભાઇ જાદવ, અજયભાઇ હરેશભાઇ પરમાર અને જીજ્ઞેશભાઇ મનસુખભાઇ પરમાર વેપારીના ઘરે આવ્યા હતા. તે સમયે મોટા દીકરા પ્રજ્ઞેશપરીના પત્ની શીલ્પા ઘરે એકલા હતા. મુખ્ય આરોપી જીજ્ઞેશ જાદવે નયનપરી અંગે પૂછપરછ કરી, મહિલાનું બાવડું પકડી સાડી ખેંચી છેડતી કરી હતી, જેથી મહિલાએ બૂમાબૂમ કરતા આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.

ત્યારબાદ બપોરના આશરે ત્રણેક વાગ્યે આ ત્રણેય આરોપીઓ મોટરસાયકલ પર લોખંડની પાઇપ અને લાકડી જેવા હથિયારો સાથે ફરિયાદીની કિરાણા દુકાને ધસી આવ્યા હતા. ત્યાં આવીને તેમણે વ્યાજના રૂૂપિયાની માંગણી કરી ગાળો ભાંડી દુકાનમાં રહેલી કાચની બરણીઓ અને પાણીનો જગ તોડી નુકશાન કર્યું હતું. એટલું જ નહીં, જીજ્ઞેશ જાદવે છુટી ઇંટનો ઘા મારી પ્રજ્ઞેશપરી ઉપર હુમલો કર્યો હતો. અને ’જો રૂૂપિયા નહીં આપો તો જ્યા મળશે ત્યા જીવથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે આટકોટ પોલીસે ફરિયાદી પ્રતાપપરીની ફરિયાદને આધારે જીજ્ઞેશભાઇ વિનુભાઇ જાદવ, અજયભાઇ હરેશભાઇ પરમાર અને જીજ્ઞેશભાઇ મનસુખભાઇ પરમાર સામે ગુનો નોંધ્યો છે.