કચ્છ-જામનગર-ખંભાળિયામાં વરસાદી ઝાપટા, ગરમીમાં રાહત

કોસ્ટલ એરિયામાં મોન્સૂન એક્ટિવિટીનો સંકેત, મુન્દ્રા-નખત્રાણામાં સવારથી વરસાદી માહોલ, જામનગરમાં રાત્રે ઝરમર, દ્વારકાના દરિયામાં જોરદાર કરન્ટ કચ્છ જિલ્લામાં પ્રિ-મોનસૂન વરસાદની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે.…

કોસ્ટલ એરિયામાં મોન્સૂન એક્ટિવિટીનો સંકેત, મુન્દ્રા-નખત્રાણામાં સવારથી વરસાદી માહોલ, જામનગરમાં રાત્રે ઝરમર, દ્વારકાના દરિયામાં જોરદાર કરન્ટ

કચ્છ જિલ્લામાં પ્રિ-મોનસૂન વરસાદની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. મુન્દ્રા અને નખત્રાણા વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં પણ મંગળવારે ચઢતા પહોરે હળવા અમી છાંટણાએ લોકોને રાહત આપી છે. બીજી તરફ દ્વારકાના દરિયામાં જોરદાર કરન્ટ જોવા મળી રહ્યો છે.

ખંભાળિયા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં સવારથી આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. સવારે આશરે 7:30 વાગ્યે જુદા-જુદા વિસ્તારોમાં હળવા છાંટા પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. આ હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ અને હવામાં તાજગીની સોડમ પ્રસરી ગઈ. આસપાસના ગામોમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.

કચ્છના મુન્દ્રા અને નખત્રાણા વિસ્તારોમાં પણ પ્રિ-મોનસૂન વરસાદની ઝાપટે સ્થાનિક લોકોને આકરી ગરમીમાંથી રાહત આપી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટછવાટે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખેડૂતો આ સમયસરના વરસાદને ખરીફ પાક માટે આશીર્વાદરૂૂપ માની રહ્યા છે. ખંભાળિયા અને આસપાસના ખેડૂતોએ વરસાદને જોઈને ખરીફ પાકની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. લાંબા સમયથી ચાલતી તીવ્ર ગરમી અને ભેજવાળા વાતાવરણ પછી આ વરસાદે ખેડૂતોમાં નવો ઉત્સાહ જગાવ્યો છે. જમીનમાં ભેજ વધવાથી વાવણી માટે અનુકૂળ સ્થિતિ બની રહેશે.

આ પ્રિ-મોનસૂન વરસાદ ચોમાસાના આગમનનો સારો સંકેત આપી રહ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને હવામાન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પોતાની ખેતીની તૈયારીઓને વેગ આપે. કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવા વરસાદી માહોલે સ્થાનિક લોકોમાં ચોમાસાની આતુરતા વધારી છે.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે બાર વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સામાન્ય વરસાદી છાંટા પડતા વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદનું પ્રમાણ ઓછું હોવા 1છતાં ગરમી અને ઉકળાટથી ત્રસ્ત નગરજનોએ રાહતનો અનુભવ કર્યો હતો.

મોડી રાત્રે પડેલા ઝરમર વરસાદ બાદ આજે સવારે પણ શહેર અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું છે. આકાશમાં ગોરંભાયેલા વાદળોની વચ્ચે સૂર્યનારાયણ વાદળોની ઓટમાંથી ડોકિયાં કરતા જોવા મળી રહ્યા છે. વાદળછાયા માહોલ વચ્ચે નગરજનો ચોમાસાના પ્રથમ સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ચોમાસાના આગમનની ઘડીઓ નજીક આવી રહી હોવાથી ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર હવે મેઘરાજા તરફ મંડાયેલી છે. વરસાદી માહોલ સર્જાતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે અને ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે.