સ્થળ પરથી પાંસળીના ટુકડા-અડધુ ખાધેલુ માથુ મળી આવ્યું: લોકોમાં ભારે રોષનો માહોલ: લોકોએ કહ્યું, અહિં શ્ર્વાનોની જેમ સિંહો રખડે છે
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે નીકળેલા અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રકાશ ચંદ્ર નામના પરપ્રાંતીય યુવક પર એક સિંહણએ ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યા છે. સિંહણ દ્વારા કરાયેલા આ હિંસક આક્રમણમાં યુવકનો શિકાર કરાયો હતો અને ઘટનાસ્થળેથી માત્ર તેની ખોપરી જ મળી આવતાં સમગ્ર પંથકના સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે, જ્યારે ઘટનાની જાણ થતાં જ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક સ્થાનિક રહીશે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કુતરાની જેમ આંટા મારતા હોય છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે. જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી. વનવિભાગ આ બાબતે તાત્કાલિક એક્શન લે અને લોકોની સુરક્ષા માટે વનકર્મીઓ તહેનાત કરે તે જરૂૂરી છે.
આ કાળજું કંપાવી દેનારી ઘટના અંગે કોવાયા ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રાએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, ભોગ બનનાર યુવક પરપ્રાંતીય હતો અને અહીં સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. સાંજના સમયે જ્યારે તે બેઠો હતો, ત્યારે ત્રણથી ચાર વન્ય પ્રાણી ત્યાં આવ્યા અને તેને ઢસડીને દૂર લઈ ગયા હતા. આ હિંસક જનાવરોએ યુવકને આખો ફાડી ખાધો છે. અગાઉ નજીકના ભાકોદર ગામમાં પણ આવી જ દુર્ઘટના ઘટી ચૂકી છે.
સરપંચે વન મંત્રીને સીધી અપીલ કરતાં જણાવ્યું કે, મારી સરકાર અને વન મંત્રીને રજૂઆત છે કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિક લેવલે લોકલ ટ્રેકર્સની વધુમાં વધુ ભરતી કરવામાં આવે. આ સાથે જ, મૃતક યુવકના પરિવારને તેમજ અગાઉ બનેલી ઘટનાના ભોગ બનનાર પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક આર્થિક સહાય મળવી જ જોઈએ. જો આગામી સમયમાં વનવિભાગ દ્વારા ટ્રેકર્સની ભરતી અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો અમે ગામ સ્તરે લોકોને એકઠા કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થઈશું.
