ક્રાઇમ
મોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
યુવાનનું સગપણ અન્ય યુવતી સાથે થતાં પ્રેમ સંબંધમાં તિરાડ પડી : જાનથી મારી નાખવાની ધમકી આપતા પગલું ભર્યાનો આક્ષેપ
મોરબી પંથકમાં રહેતી યુવતિને વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી અન્ય જગ્યાએ સગપણ કરી લીધું હતું. જે સગપણની યુવતિને જાણ થતાં બન્ને વચ્ચે રકઝક થતાં વેપારી યુવાને તુ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી યુવતિને માઠુ લાગી આવતા એસીડપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતિને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી પંથકમાં રહેતી 26 વર્ષની યુવતિએ સાંજના છવાગ્યાના અરસામાં એસીડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતિને બેશુદ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવતિ મોરબીમાં આવેલા ખાનગી ક્લિનીકમાં નોકરી કરે છે. અને મોરબીમાં ટાઈલ્સનો શો-રૂમ ધરાવતા વૈભવ નિલેશભાઈ ભોરણિયા નામના યુવાન સાથે બે મહિના પહેલા આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. વૈભવ ભોરણિયાએ લગ્નની લાલચ આપી યુવતિને પાંચથી છ વાર તેના ઘરે લઈ જઈ શરીર સબંધ બાંધ્યો હતો. બાદમાં વૈભવ ભોરણિયાએ અન્ય યુવતિ સાથે સગપણ કરી લીધું હોવાનું યુવતિને જાણ થતાં યુવતિએ તારે સગાઈ કરવી હતી તો મારી સાથે આવુ કેમ કર્યુ તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા વૈભવ ભોરણિયાએ તુ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે ધમકીથી માઠુ લાગી આવતા યુવતિએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.