ગુજરાત
બેડી યાર્ડ નજીક 4.50 કરોડની જમીન ખુલ્લી કરાઇ
હોટલ, પાનની દુકાન, ગેરેજ, રેસ્ટોરન્ટ સહિત છ બાંધકામો તોડી પાડતા તાલુકા મામલતદાર
રાજકોટ જિલ્લા તેમજ શહેરની આજુબાજુમાં ગેરકાયદેસર ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ નજીક આવેલ બેડી માર્કેટિંગ યાર્ડ નજીક છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવેલા દબાણો આજે તાલુકા મામલેદારની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. બેડી માર્કેટિંગ યાર્ડ નજીક સર્વે નંબર 261 પૈકીની સરકારી ખરાબની જમીન પર રહેલા છ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં હોટલ,પાનની દુકાન, ગેરેજ, રેસ્ટોરન્ટ સહિત કુલ છ જેટલા બાંધકામો તોડી પાડી 1250 ચો. મીટર સરકારે જમીન ખુલ્લી કરવામાં આવી હતી ખુલ્લી કરાયેલી જમીનની બજાર કિંમત 4.50 કરોડ જેટલી થવા જઈ છે.
આજે વહેલી સવારે કલેકટર પ્રભાવ જોશીની સૂચના અન્વયે બેડી માર્કેટિંગ યાર્ડ નજીક છેલ્લા કેટલાય સમયથી સર્વે નંબર 261 પૈકીની સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. તાલુકા મામલતદાર દ્વારા અનેક નોટિસો આપવા છતાં પણ દબાણ દૂર ન કરતા તેમજ જરૂૂરી પુરાવા રજૂ ન કરતા આજે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક હોટલ સહિત છ જેટલા નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 1250 ચો. મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ખુલ્લી કરાયેલી સરકરી જમીનમાં ફેન્સીગ કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
દબાણ દૂર કરતી સમય પોલીસના ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ નાયબ મામલેદાર બાંણુગરિયા, રઘુવીર સિંહ વાઘેલા તલાટી મંત્રી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.