ક્રાઇમ
એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગું
વિરાણી ચોકમાં સામાન્ય બાબતમાં છરી કાઢનાર ‘પુષ્પા’એ પોલીસને મોઢે ચોપડાવ્યું, પછી પોલીસ સ્ટેશનમાંથી માફીનો વીડિયો બનાવ્યો
હાલ લગ્ન સિઝન ચાલી રહી છે અને પરિવારજનો વાજતે ગાજતે વરઘોડાને કાઢીને લગ્ન સ્થળ સુધી લઇ જાય છે. ત્યારે આ લગ્ન સિઝન વચ્ચે બે દિવસ પહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના નિવેદનો બાદ પોલીસ દ્વારા પણ આરોપીઓના વરઘોડા કાઢીને કાયદાનુ ભાન કરાવવામાં આવી રહયુ છે. ત્યારે રાજયમાં છેલ્લા 3 દિવસથી સુરત, અમદાવાદ અને રાજકોટમાં અસામાજીક તત્વોને કાયદાનુ ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. ત્યારે તાજેતરમાં જ સિનેમા ગૃહમાં પુષ્પા મુવી આવ્યા બાદ શહેરમાં અસામાજીક તત્વો પણ પુષ્પાના પાત્ર જેવુ જાહેર માર્ગો પર વર્તન કરતા જોવા મળી રહયા છે. જે માત્ર ફિલ્મોમાં જ સારૂ લાગે રિયલમાં પુષ્પાની જેમ જાહેર માર્ગો પર હથિયારો કાઢશો તો સરઘસ કાઢવામાં આવશે તેવુ રાજકોટ શહેરના પોલીસમાંથી જાણવા મળી રહયુ છે.
ત્યારે રાજકોટ શહેરમાં વિરાણી ચોકમાં વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતમાં એક યુવાને કાર ચાલકને જાહેરમાં ધમકી આપી પોતાના સ્કુટરમાંથી તિક્ષ્ણ છરી કાઢી કાર ચાલકને ધમકી આપતા વાહન ચાલકો ગભરાઇ ગયા હતા અને આ ઘટનાનો વિડીયો કોઇ જાગૃત નાગરીકે ઉતારી લેતા સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. ત્યારબાદ ઘટનાનુ સ્થળ જાણી એ ડીવીઝન મથકના પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ રાણા, એએસઆઇ એમ. વી. લુવા, ભરતસિંહ ગોહિલ અને સંજયભાઇ ચૌહાણ સહીતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીને શોધવા માટે પોતાના બાતમીદારો દોડાવ્યા હતા. ત્યારે પોલીસને જાણવા મળ્યુ હતુ કે આરોપી ઢેબર રોડ પર ગોપાલનગર મેઇન રોડ પર આવેલા આશાપુરા કૃપામાં રહેતા દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા (ઉ.વ. ર9) હોવાનુ જાણવા મળ્યુ હતુ.
આ ઘટનામાં પોલીસની ટીમે આરોપીના ઘરે પહોંચી દિવ્યરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી તેમની પુછપરછમાં પોતે ખેતીકામ કરતો હોવાનુ જણાવ્યુ હતુ અને ગઇકાલે પોતે પોતાના ઘર તરફ જતો હતો ત્યારે કાર ચાલક સાથે વાહન ચલાવવા બાબતે માથાકુટ થઇ હતી અને કાર ચાલકે સરખુ વાહન ચલાવવાનુ કહેતા દિવ્યરાજસિંહે પોતાના સ્કુટરની ડેકીમાંથી છરી કાઢી સીનસપાટા કર્યા હતા. જો કે પોલીસે તેમને પોલીસ મથકે લઇ જઇ સીધોદોર કર્યો હતો. તેમજ તેમનો જાહેરમાં જ વરઘોડો કાઢી વિરાણી ચોક તરફ લઇ જવામાં આવ્યો હતો. ત્યારે તેમણે જાહેરમાં માફી માગવાનો ઇન્કાર કરી દીધો હતો અને પોલીસને કહયુ હતુ કે મારૂ એન્કાઉન્ટર કરવુ હોય તો કરી નાખો, પરંતુ હું જાહેરમાં માફી નહી માંગુ. ત્યારબાદ થોડીવારમાં આરોપી દિવ્યરાજસિંહનો વધુ એક વિડીયો પોલીસે મીડીયા સમક્ષ જાહેર કર્યો હતો અને જેમાં તેમનાથી મોટી ભુલ થઇ છે અને બે હાથ જોડી હવે આવુ નહી થાય તેમ જણાવ્યુ હતુ.