ગુજરાત
ગાંધીગ્રામમાં સળગતો ફટાકડો રિક્ષા નીચે ફેંકી બાદમાં ચાલકને માર મારી માથુ ફોડયું
દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા પ્રશ્ર્ને મારામારીના બનાવો સામે આવતા રહે છે ત્યારે દિવાળી પૂર્વે ગાંધીગ્રામ વિસ્તારમાં રસ્તા ઉપરથી પસાર થતી રિક્ષા નીચે સળગતો ફટાકડો ફેંકી શખ્સે રિક્ષાચાલક સાથે ઝઘડો કરી માર માર્યો હતો તથા માથામા કડું ફટકારી માથુ ફોડી નાખ્યુ હતુ. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે આવેલી વીર સાવરકર ટાઉનશીપમાં રહેતા સંજયભાઇ કાળુભાઇ (ઉ.વ.42)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જાણવા મુજબ ગઇ કાલે રાત્રે તેઓ તેના પુત્ર અને ભાભી સાથે રિક્ષામાં ભાઇના ઘરેથી પરત આવતા હતા ત્યારે ગાંધીગ્રામ શેરી નં.4 પાસે પહોંચતા અજાણયો શખ્સ રસ્તા ઉપર ફટાકડા ફોડતો હોય જેણે ફટાકડો સળગાવી રિક્ષા નીચે ઘા કરતા તેમણે બે્રક મારી દીધી હતી. અને તે શખ્સ સામે જોતા અજાણયા શખ્સે સામુ કેમ જોવ છે. હાલતો થા તુ જે હોય તે એમ કહતા સમજાવવા જતા તેણે ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરી માથામાં કડા વડે માર મારતા માથુ ફોડી નાખ્યુ હતુ. દરમિયાન લોકો ભેગા થઇ જતા અજાણયો શખ્સ સ્કૂટર લઇ નાશી ગયો હતો.
જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ગાંધીગ્રામ પોલીસે અજાણયા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.