મોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહી

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ જોડાયેલા છે અને ગુરુવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે આભાર વિધિ કરવા માટે…

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ જોડાયેલા છે અને ગુરુવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે આભાર વિધિ કરવા માટે તેઓ આવ્યા હતા ત્યારે તેઓનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો અને કહ્યું હતું કે “જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે અને મિનિસ્ટરો તેમજ ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાના છે આટલું જ નહીં પૂર્વ કલેકટર દ્વારા કરવામાં આવેલા ઓર્ડર સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન ગુરુવારે રાત્રે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિતના 12 જિલ્લાના ખેડૂતો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપવાસી છાવણી ખાતે આવેલા ખેડૂતોએ પોતાના વળતર બાબતે લાગણી અને સૂચનો રજૂ કર્યા હતા ત્યારબાદ કાર્યક્રમના અંતે સહુનો આભાર વ્યક્ત કરવા માટે થઈને આંદોલન સમિતિના સભ્ય તેમજ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃત્યના નાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા ઉભા થયા હતા. ત્યારે તેઓએ છેલ્લા દિવસોથી ચાલતા ખેડૂત આંદોલનમાં સહકાર આપનાર તમામ ખેડૂતોના આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આંદોલનમાં લોકોના જમણવારથી લઈને અનેક પ્રકારની સેવાઓમાં સહકાર આપનાર બેન દીકરીઓને ચંડી અને ચામુંડાનું રૂૂપ ગણાવીને તમામ ખેડૂતોને સિંહ સમાન ગણાવ્યા હતા.

ત્યારબાદ તેઓએ કહ્યું હતું કે આંદોલન પાર્ટ 3 નહીં હવે પાર્ટ 4 સીધું ચાલુ કરો. હવે ભૂખ્યા મરવાનું નથી એને મારવાના છે અને આ આંદોલન દરમિયાન કોઈપણ આંદોલનકારી કે ખેડૂતને કોઈપણ વ્યક્તિ ધમકી આપે તો તેનો નંબર મને આપજો એવો કયો ધમકી દેવા વાળો પેદા થયો. તમે અમારા ખેતરમાં થાંભલા નાખી ગયા છો શું અમે તમારા ઘરમાં નહીં ધરીએ, હવે મિનિસ્ટરો અને ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાના છે અને જો ખેડૂતોને પૂરતું વળતર ન મળે તો જે મિનિસ્ટરો લાલ લાઈટ વાળી ગાડીમાં ફરે છે તેને 108 માં ઘાલવાના છે. મોરબી જિલ્લાના પૂર્વ કલેકટર કે.બી.ઝવેરીએ કરેલા ઓર્ડરને ધ્યાન રાખીને રાકેશભાઇએ કહ્યું હતું કે “જે ઓર્ડર આપ્યો તે એના બાપના ખેતર હતા ખેતર અમારા બાપના છે, એક દી અને પકડ્યાવો છે અને અહીંયા થાંભલે ન બાંધુ તો અમૃતિયાના પેટનો નહીં” તેવી ચેલેન્જ આપી હતી. આમ ખેડૂતોનું આંદોલન હવે ધીમે ધીમે ઉગ્ર રૂૂપ પકડતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

હકાભાએ ફરી વીડિયો મુકયો
જેતપર ખેડૂત આંદોલન દરમિયાન હકાભા ગઢવી અને આંદોલનકારી નીલેશ એરવાડિયાની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો નિલેશ એરવાડિયાએ સરકાર સાથે ચર્ચા અને આંદોલન પૂર્ણ કરવા માટે કરોડો રૂૂપિયાની માંગણી કર્યાના આક્ષેપો કર્યા હતા બાદમાં નિલેસ એરવાડિયાએ પલટવાર કર્યા હતા જે મામલે હકાભાએ સ્પષ્ટતા કરતો વિડીયો સોશ્યલ મીડિયા પર મુક્યો છે જેમાં તેઓ જણાવે છે કે તે ડાયરો કરીને પરત જતો હતો ત્યારે મારી જ ગાડીમાં નિલેશ એરવાડીયા પેટ્રોલ પંપ સુધી આવ્યો હતો અને ત્યાં 25 કરોડ રૂૂપિયાની સરકાર પાસેથી લેવાની વાત કરી હતી આંદોલન સમિતિ, ખેડૂતો સહિત બધાની સાથે વિશ્વાસઘાત કરીને બધાને અંધારામાં રાખીને પૈસા માંગનારા નિલેશ એરવાડીયાને ખુલ્લો પાડવા માટે મેં જ નાટકીય ફોન કરીને ઓડિયો વાયરલ કર્યો હતો.

નિલેશભાઈ એરવાડીયા કહી દે કે હું ખોટો છો અને હકાભા તમે સાચા છો તો મારી પાસે રહેલા પુરાવા મારે કોઈને ક્યાંય આપવા નથી બાકી ગમે તે આવે તેને પુરાવા આપવા માટે હું તૈયાર છું આંદોલન સમિતિ અને સમાજના આગેવાનો મારી પાસે આવે હું પુરાવા તેમને બતાવી દઈશ અને એ પુરાવા જાહેર થશે તો સમાજની બદનામી થશે આંદેલન તોડવા માટેના પ્રયત્નો નિલેશ એરવાડીએ કર્યા હતા તેના પુરાવા મારી પાસે છે, મને છાવણીએ આવતા નિલેશ એરવાડીયાએ રોક્યો હતો તેમ પણ હકાભા ગઢવી જણાવી રહ્યા છે.

વિજપોલ-લાઇનના વળતર માટે MRC રચવા કલેકટરની બેઠક

મોરબી જીલ્લામાં જુદીજુદી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થઈ રહી છે અને તેના અસરગ્રસ્ત ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે અને ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર અપાવવા માટે સરકાર દ્વારા નવી નીતિ જાહેર કરવામાં આવેલ છે અને તેને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં એમઆરસી (માર્કેટ રેટ કમિટી)ની રચના કરવા કલેકટરના અધ્યક્ષતામાં ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગત તા. 4/7/26 ના રોજ વીજપોલ અને વીજ લાઇનના વળતર માટે નવી નીતિનો ઠરાવ કરવામાં આવેલ છે જેને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં ‘માર્કેટ રેટ કમિટી’ની રચના કરવાનો રોડ મેપ તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કલેકટરના સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

ત્યારે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના પ્રતિનિધિઓ સરકારના નવા નીતિ-નિયમોથી વિગતવાર અવગત કરાવીને વહેલી તકે પારદર્શક પ્રક્રિયા શરૂૂ કરવા સમજૂતી સાધવામાં આવી હતી. આગામી દિવસોમાં ખેડૂતો સાથે પણ બેઠક કરવામાં આવશે. હાલમાં કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ કાર્ય કરનારી ‘માર્કેટ રેટ કમિટી’માં ખેડૂત અને ખાનગી વીજ કંપનીના સભ્યોનો સમાવેશ કરાશે.

આ કમિટી દ્વારા અસરગ્રસ્ત જમીનોના બજારભાવ નિયત કરવા તેમજ વળતરને લગતા તમામ પ્રશ્નોનું ન્યાયિક નિરાકરણ લાવવાની કામગીરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાંથી હાલમાં અદાણી, રિલાયન્સ, પાવરગ્રીડ HVDC સહિતની કંપનીઓની વિવિધ વોલ્ટેજ ક્ષમતાની વીજ લાઈનો પસાર થઈ રહી છે. આ બેઠકમાં એસપી મુકેશ પટેલ, આરએસસી એસ.જે.ખાચર, મોરબી અને હળવદના પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના ટેકનિકલ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.