ચુડાના સમઢિયાળા ગામે ખાણ સંચાલકને પિસ્તોલ બતાવી ધમકી

ચુડા તાલુકાના સમઢીયાળા ગામે કાળા પથ્થરની ખાણ ખાતે હપ્તાની માંગણીને લઈને ગંભીર બનાવ બન્યો છે. ખાણ સંચાલકને પિસ્ટલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર…

ચુડા તાલુકાના સમઢીયાળા ગામે કાળા પથ્થરની ખાણ ખાતે હપ્તાની માંગણીને લઈને ગંભીર બનાવ બન્યો છે. ખાણ સંચાલકને પિસ્ટલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર ચુડા પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. ફરિયાદ મુજબ, સમઢીયાળા ગામના યશપાલસિંહ નવલસિંહ રાઠોડ કાળા પથ્થરની લીઝ પર કામગીરી સંભાળે છે. ગત 8 જુલાઈની મધરાત્રિએ ખાણમાંથી નીકળતા ડમ્પરોને એક વ્યક્તિએ રસ્તા વચ્ચે મોટરસાયકલ આડી મૂકી રોક્યા હોવાની જાણ તેમને થઈ હતી. સ્થળ પર પહોંચતા અલ્પેશભાઈ મનસુખભાઈ ધરજીયાએ ડમ્પરો ચલાવવા માટે હપ્તો આપવાની માંગણી કરી હતી.

યશપાલસિંહે હપ્તો આપવાનો ઇનકાર કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ગાળો આપી હાથમાં રહેલી પિસ્ટલ ફરિયાદી તરફ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતાં ફરિયાદીએ આરોપીના હાથમાંથી પિસ્ટલ ઝૂંટવી લીધી હતી. ત્યારબાદ આરોપીએ ઢીકાપાટુનો માર મારી વધુ ધમકીઓ આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં 112 ઇમરજન્સી સેવા અને ચુડા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ફરિયાદી દ્વારા પોલીસને સોંપવામાં આવેલી પિસ્ટલની તપાસ કરતા તેમાંથી એક જીવતું કાર્ટ્રિજ મળી આવ્યું હતું, જેને પોલીસે કબજે લીધું છે.આ મામલે ચુડા પોલીસે અલ્પેશભાઈ મનસુખભાઈ ધરજીયા સામે ઇગજ કલમ 115(2), 126(2), 308(2), 351(3), 352, આર્મ્સ એક્ટ 25(1-B)(A) તેમજ જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.