વાંકાનેરના રાજકારણમાં હાલ એક કથિત વીડિયોએ ભારે ખળભળાટ મચાવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુ સોમાણી મતદારોને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ધારાસભ્ય જણાવી રહ્યા છે કે પાણીની જરૂૂરિયાત ઊભી થશે ત્યારે તેઓ ગમે ત્યારે તે છોડાવી આપશે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, વીડિયોમાં તેઓ પોતે જ કબૂલાત કરી રહ્યા છે કે ભાજપના શાસનને કારણે પાણીની સુવિધા અને અન્ય લાભો સારી રીતે મળી રહ્યા છે, તેમ છતાં તેઓ તેની તરત જ બાદ કોંગ્રેસને મત આપવા માટે કહી રહ્યા હોવાનું સંભળાય છે.
આ વિરોધાભાસી નિવેદનને કારણે સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક શરૂૂ થયા છે અને રાજકીય વર્તુળોમાં ભારે અચરજ ફેલાયું છે. એક તરફ સત્તાધારી પક્ષના વિકાસ કાર્યોની પ્રશંસા અને બીજી તરફ વિરોધ પક્ષને સમર્થન આપવાની આ વાતને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
હાલમાં આ વીડિયો વાંકાનેર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, પરંતુ આ વીડિયોની સત્યતા કે તેના પાછળના ચોક્કસ સંદર્ભ વિશે ધારાસભ્ય જીતુ સોમાણી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા સામે આવી નથી. જો કે, વીડીયો વાયરલ થયા બાદ ધારાસભ્ય સોમાણીએ સ્પષ્ટતા કરી હતી કે જે માણસે વીડીયો બનાવ્યો છે તે વિધર્મી હતો અને વિધર્મીઓના મત હું કયારેય માંગતો જ નથી.
