પાસપોર્ટ કોર્ટમાં જમાં છતાં દંપતી વિદેશ ફરી આવ્યું !

રાજકોટ શહેરમાં ધનંજય ફાયનાન્સ પેઢીના માલીક ઘનશ્યામ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેને કરોડોનું ફુલેકુ ફેરવવાના ગુનામાં હાઈકોર્ટ શરતી જામીન આપ્યા હતાં. આ ઘટનામાં પાસપોર્ટ…

રાજકોટ શહેરમાં ધનંજય ફાયનાન્સ પેઢીના માલીક ઘનશ્યામ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેને કરોડોનું ફુલેકુ ફેરવવાના ગુનામાં હાઈકોર્ટ શરતી જામીન આપ્યા હતાં. આ ઘટનામાં પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યા બાદ બન્ને સુરત રહેવા જતાં રહ્યા હતાં અને વિદેશ જવાની લાલચમાં દંપતિએ સુરતમાં પાસપોર્ટ ખોવાઈ ગયાનું ખોટુ સોગંદનામું કરી નવો પાસપોર્ટ મેળવ્યો હતો અને કાયદાની આંખોમાં ધુળ નાખી દુબઈ ફરી આવ્યા હતાં. પોલીસને ગેરમાર્ગે દોરી નવો પાસપોર્ટ બનાવી લેતાં સુરતના ડિંડોણી પોલીસે બન્નેની ધરપકડ કરી છે.

આ ગુનાના મૂળ વર્ષ 2021માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા IPC અને GPID એક્ટ (ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ) હેઠળના કેસમાં રહેલા છે. ઘનશ્યામ પાંભર અને તેની પત્નીએ રોકાણકારોના કરોડો રૂૂપિયા હડપ કરી લીધા હતા. આ કેસમાં જ્યારે તેઓ હાઈકોર્ટમાં જામીન માટે ગયા, ત્યારે કોર્ટે સ્પષ્ટ શરત મૂકી હતી કે, તેઓ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર ભારત છોડશે નહીં અને પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવશે. કાયદા મુજબ પાસપોર્ટ જમા હોવાથી તેઓ વિદેશ જઈ શકે તેમ નહોતા, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાનો પરિચય આપતા તેમણે સિસ્ટમ સાથે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હતું.

તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપીઓએ આયોજનપૂર્વક કાવતરું ઘડ્યું હતું. તેમણે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના પાસપોર્ટ ખોવાઈ ગયા હોવાની એક ખોટી અરજી આપી હતી. આ અરજી સાથે તેમણે સોગંદનામું પણ રજૂ કર્યું હતું કે, તેમના મૂળ પાસપોર્ટ ગુમ થયા છે. આ દસ્તાવેજોના આધારે તેમણે ડિંડોલી પોલીસ પાસેથી જરૂૂરી પ્રમાણપત્ર મેળવ્યું અને સુરતની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી દીધી. હકીકત એ હતી કે, તેમના અસલી પાસપોર્ટ તો રાજકોટની કોર્ટમાં સુરક્ષિત હતા. નવી ઓળખ અને નવા પાસપોર્ટ મળતા જ આ દંપતી કાયદાને અંગૂઠો બતાવી દુબઈ ઉપડી ગયું હતું.

આ છેતરપિંડીનો પર્દાફાશ રાજકોટના એક જાગૃત સાક્ષીના કારણે થયો હતો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના એક સાક્ષીને બાતમી મળી હતી કે પાંભર દંપતી પાસપોર્ટ જમા હોવા છતાં વિદેશ ફરી આવ્યું છે. આ માહિતીના આધારે તેમણે રાજકોટ પોલીસમાં પુરાવા સાથે અરજી કરી હતી. રાજકોટ પોલીસે જ્યારે પાસપોર્ટ ઓફિસ અને ઈમિગ્રેશન વિભાગમાં તપાસ કરાવી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી કે, આ દંપતીએ ડિંડોલી પોલીસ સ્ટેશનના ખોટા રિપોર્ટના આધારે નવા પાસપોર્ટ મેળવ્યા છે. આ તપાસના અંતે 22 એપ્રિલ 2026ના રોજ ડિંડોલી પોલીસ મથકે ઇગજ અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.અઈઙ નિરવ ગોહિલે જણાવ્યું કે, હાલમાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી0 પોલીસ કસ્ટડી મેળવવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયામાં અન્ય કોઈ એજન્ટ કે સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ. આ ધરપકડથી સુરત અને રાજકોટના બિલ્ડર લોબી અને ફાયનાન્સરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.