‘મહિનો નહીં થવા દઉં’ ભાણેજ જમાઈએ નાનાજીની હત્યા કરી ધમકી પાળી બતાવી

પત્ની રિસામણે જતાં તેના માટે નાના-નાનીને જવાબદાર ગણી ધારદાર છરા વડે તૂટી પડ્યો,નાનાજીની હત્યા કરી નાનીને પણ છરીના ઘા ઝીંક્યા 22 દિવસ પહેલાં અરજી કરી…

પત્ની રિસામણે જતાં તેના માટે નાના-નાનીને જવાબદાર ગણી ધારદાર છરા વડે તૂટી પડ્યો,નાનાજીની હત્યા કરી નાનીને પણ છરીના ઘા ઝીંક્યા

22 દિવસ પહેલાં અરજી કરી છતાં પોલીસ ઉંઘતી રહી, લોથ ઢાળ્યા બાદ હત્યારાને કલાકોમાં ઝડપી લીધો

યુનિવર્સિટી રોડ પરના વિમલનગર શેરી નં. 1માં રહેતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારી પ્રવિણભાઈ સુંદરજીભાઈ શાહ (ઉ.વ. 70) અને તેના પત્ની ઈલાબેન (ઉ.વ. 60) ઉપર મોડી રાત્રે ઘરમાં ઘૂસી પ્રેમલગ્ન કરનાર તેમની ભાણેજ દિયાના પતિ વિવેક પ્રકાશગીરી ગોસ્વામી (ઉ.વ. 23, રહે. ભાલકા, તા. વેરાવળ)એ છરીના આડેધડ ઘા ઝીંકી દેતાં પ્રવિણભાઈનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે ઈલાબેનને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આરોપી વિવેકે કોઈ જાનવરને કાપતો હોય તેમ બંનેને ક્રૂરતાપૂર્વક છરીના ઘા ઝીંકી દેતાં સ્થળ પર લોહીનાં ખાબોચિયા ભરાઈ ગયા હતા. ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી મોડી સાંજે તેની અટકાયત કરી હતી. તેની પત્ની દિયા હાલ રિસામણે છે, જે માટે તેના નાના-નાનીને જવાબદાર માની તેમની ઉપર ખૂની હુમલો કર્યાનું બહાર આવ્યું છે.

હત્યાનો ભોગ બનનાર પ્રવિણભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પટાવાળા તરીકે નોકરી કરી નિવૃત્ત થયા હતા. સંતાનમાં પુત્ર અને પુત્રી છે, જેમાંથી પુત્રી તેજલ પતિ જીજ્ઞેશ પટેલ સાથે વાંધો પડતાં પુત્રી દિયા સાથે પુષ્કરધામ સોસાયટીમાં અલગ રહે છે.

પુત્ર પારસ લંડનમાં અભ્યાસ સાથે કામ પણ કરે છે. તેમની ભાણજી દિયાએ ગઈ તા. 2-9-2025ના રોજ ભાલકાના વિવેક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના ત્રણેક માસ દિયા પોતાના ઘરે રહ્યા બાદ સાસરિયે ગઈ હતી. જ્યાં પાંચેક માસ રહ્યા બાદ પતિ સાથે વિવાદ થતાં ગઈ તા. 13 મેના રોજ તેની માતાના ઘરે રિસામણે આવી ગઈ હતી.

આ દિવસથી તેનો પતિ વિવેક તેને, તેની માતાને ઉપરાંત નાના-નાનીને ધાક-ધમકી આપતો હતો. ગઈકાલે રાત્રે 11-30 વાગ્યાની આસપાસ પ્રવિણભાઈ અને તેના પત્ની ઈલાબેન સુવા જતા રહ્યા હતા. મોડી રાત્રીના આશરે દોઢથી બે વાગ્યાના અરસામાં વિવેક તેમના ઘરની દીવાલ ટપી બેડરૂૂમના દરવાજા સુધી છરો લઈ ધસી ગયો હતો.

બંનેને ઉંઘમાંથી ઉઠાડી તેણે કહ્યું કે ચાલુ ઉભા થાઓ, મારા અને દિયાના છૂટાછેડા કરવામાં બહુ રસ લ્યો છો, જેથી આજે તમને બંનેને મારી નાખવાના છે. આ પછી પ્રવિણભાઈને ધક્કો મારી નીચે પછાડી દીધા બાદ છરા વડે ક્રૂરતાપૂર્વક તૂટી પડ્યો હતો. છરાના ઘા મારતા મારતા તેમને આગળના રૂૂમ સુધી લઈ આવ્યો હતો. જેથી અવાચક બની ગયેલા ઈલાબેન પણ બેડરૂૂમની બહાર આવતાં તેમને પણ માથા, ડોક, ખભા, હાથના પંજામાં છરાના ઘા ઝીંકી દીધા હતા. તે સાથે જ ઈલાબેન સોફા પર પટકાઈ ગયા હતા.

ત્યારબાદ વિવેક ફરીથી પ્રવિણભાઈ પર છરા વડે તૂટી પડ્યો હતો. ઈલાબેને બૂમાબૂમ કરતાં છરા સાથે ભાગી ગયો હતો. જાણ થતાં પાડોશમાં રહેતા ટીનાભાઈ અને તેમના પુત્રી તેજલબેન આવી પહોંચ્યા હતા. બે 108 એમ્બ્યુલન્સમાં સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ પ્રવિણભાઈને મૃત જાહેર કર્યા હતા. તેમને છરાના ડઝનેક ઘા ઝીંકાયાનું બહાર આવ્યું છે. ઈલાબેનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ-2 પોલીસે ખૂનનો ગુનો નોંધી મોડી સાંજે વિવેકની અટકાયત કરી હતી.

ડીસીપી બાંગરવાએ પોતાનું કાર્યક્ષેત્ર નહીં હોવા છતાં રજૂઆત સાંભળી
તેજલબેને કહ્યું કે તેણે આ હેરાનગતિને કારણે ઝોન-2ના ડીસીપીને મળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રજા પર હોવાથી મળ્યા ન હતા. ક્રાઈમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાએ પોતાનું કાર્યક્ષેત્ર નહીં હોવા છતાં રજૂઆત સાંભળી કોઈ તકલીફ હોય તો તત્કાળ પોતાને જાણ કરવા કહ્યું હતું પરંતુ ગાંધીગ્રામ-2 પોલીસે રજૂઆત બાબતે કોઈ ધ્યાન આપ્યું ન હતું.

આરોપી વિવેકની માતા સોમનાથ પોલીસમાં હોમગાર્ડમાં ફરજ બજાવે છે
વિવેકની માતા સોમનાથ પોલીસમાં હોમગાર્ડમાં ફરજ બજાવતી હોવાથી પોલીસ તેને છાવરતી રહ્યાનો અને તેનાથી પણ વધુ પોલીસની તેની સાથે મિલીભગત હોવાનો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.જોકે ગાંધીગ્રામ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસની બેદરકારીના કારણે મારા પિતાની હત્યા થઈ: મૃતકના પુત્રી તેજલબેનનો આક્ષેપ
મૃતક પ્રવિણભાઈના પુત્રી તેજલબેને ગાંધીગ્રામ-2 પોલીસની બેદરકારીને કારણે તેના પિતાની હત્યા થયાનો આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં મૃતદેહ સંભાળવાનો પણ ઈનકાર કરી દીધો હતો.તેજલબેને જણાવ્યું કે તેની પુત્રી દિયા રિસામણે આવ્યા બાદ તેનો પતિ વિવેક તેને, તેની પુત્રી, માતા-પિતાને મારી નાખવાની સતત ધમકી આપતો હતો. એકાદ માસ પહેલાં જ્યારે પુત્રી દિયાને સોમનાથના પોલીસ મથકેથી લઈ આવ્યા ત્યારે બહાર પણ ‘એક મહિનો નહીં થવા દઉં’ તેવી ધમકી આપી હતી, જે પાળી બતાવી છે.તેની સતત ધમકીઓને કારણે ગઈ તા. 22મીએ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં પોતાને અને પરિવારને પોલીસ રક્ષણ આપવા અરજી કરી હતી પરંતુ અરજીની તપાસ કરનાર એએસઆઈ જયસિંહ ઝાલાએ કોઈ કાર્યવાહી કરી ન હતી. તેણે વિવેકને બોલાવ્યો પણ ન હતો. જો તે વખતે વિવેક સામે પોલીસે કાર્યવાહી કરી હોત તો આજે તેના પિતાનો જીવ બચી ગયો હોત. આ રીતે પિતાના મોત માટે પોલીસ જ જવાબદાર હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરી રોષ પણ દર્શાવ્યો હતો.