શહેરમાં આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કમાં રહેતાં યુવાને પત્ની છુટાછોડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બે દિવસ પૂર્વે જ પત્નીએ પતિ અને સસરા તેમજ નણંદ ત્રાસ આપતાં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કમાં રહેતાં મિલન ચંદ્રેશભાઈ જાદવાણી નામનો 35 વર્ષનો યુવાન અગિયારેક વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલ ખાતે હતો ત્યારે ઈમરજન્સી વોર્ડ સામે પાર્કીંગમાં ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર મિલન જાદવાણીની પત્ની છેલ્લા ઘણા સમયથી માવતરે રિસામણે બેઠી છે અને રિસામણે બેઠેલી પત્ની છુટાછેડા માટે 10 લાખની માંગણી કરતાં હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે બે દિવસ પૂર્વે જ મિલન જાદવાણીની પત્ની અર્ચનાબેન જાદવાણીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પતિ મિલન જાદવાણી, સસરા ચંદ્રેશભાઈ જાદવાણી અને નણંદ ચાંદનીબેન ત્રાસ આપતાં હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
