Site icon Gujarat Mirror

મોબાઈલની બેટરી ફાટતા મકાનમાં આગ, દંપતી ભડથું

લીંબડીમાં ગોઝારી ઘટના, આગ તિવ્ર ઝડપે પ્રસરી જતાં બચવાનો મોકો જ ન મળ્યો, બચાવવા ગયેલ વ્યક્તિ પણ દાઝ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટીમાં ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રહેણાંક મકાનમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં ગંભીર રીતે દાઝી જવાથી દંપતીનું કરૂૂણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં મોબાઈલની બેટરી ફાટતા આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, લીંબડીની વોરા સોસાયટીમાં રહેતા શબ્બીરભાઈ બુરહાનભાઇના મકાનમાં રાત્રિના સમયે જ્યારે પરિવાર નિદ્રાધીન હતો, ત્યારે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું અને આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું. મકાનમાં ચાર્જમાં રહેલા મોબાઈલની બેટરી ફાટતા લાગેલી આગ એટલી ઝડપથી પ્રસરી કે પરિવારના સભ્યોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.
આગ લાગી ત્યારે મકાનમાં પરિવારના કુલ ત્રણ સભ્યો ફસાયા હતા. બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર ફાઇટર તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂૂ કરી હતી.

આ કરૂૂણ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાથી શબ્બીરભાઈ બુરહાનભાઇ અને તેમના પત્ની રસીદાબેન શબ્બીરભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ફાયર ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો. જોકે, તે વ્યક્તિ પણ દાઝી ગઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી વોરા સોસાયટી અને સમગ્ર લીંબડી પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version